અમદાવાદઃ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાના નિવેદનથી નારાજ થઈને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આગાહી ન કરવાની જાહેરાત કરનારા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલ આખરે માની ગયા છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અંબાલાલ કાકાને મનાવી લીધા છે, જેથી હવે તેઓ અગાઉની જેમ જ ગુજરાતના હવામાન અંગેની માહિતી આપવાનું ચાલુ રાખશે.
પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ફોન કરીને મનાવ્યા
આ સમગ્ર વિવાદ અંગે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ‘ગુજરાતના અસંખ્ય ખેડૂતો અને સામાન્ય લોકો ઈચ્છતા હતા કે અંબાલાલ કાકા પોતાની આગાહીઓ ચાલુ રાખે. તેમની આગાહી કરવાની પદ્ધતિ વર્ષોના અનુભવ પર આધારિત છે અને તે 70 થી 80 ટકા સાચી સાબિત થાય છે. કોઈ એક વ્યક્તિના નિવેદનને કારણે આ સેવા બંધ ન થવી જોઈએ. મેં ગઈકાલે અંબાલાલ પટેલ સાથે વ્યક્તિગત રીતે ફોન પર વાત કરી હતી અને તેમને ખેડૂતોની લાગણી માન્ય રાખીને પોતાનો નિર્ણય પરત લેવા આગ્રહ કર્યો હતો. તેઓ માની ગયા છે અને હવે ફરી આગાહી આપશે’.
ફરીથી આગાહી આપવાની સત્તાવાર જાહેરાત
બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કાયદાકીય નિષ્ણાતોની સલાહ લીધા બાદ ફરીથી આગાહી આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ આ કામગીરી માટે કોઈ ફી કે નાણાં લેતા નથી. લોકો તેમની વાત પર વિશ્વાસ કરે કે ન કરે તે તેમનો અંગત નિર્ણય છે, પરંતુ તેઓ ખેડૂતોના હિત માટે આ માહિતી આપતા રહેશે. પોતાનો નિર્ણય બદલવાની સાથે જ અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે તેની પણ વિગતો આપી છે.
એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના
અંબાલાલ પટેલના કહ્યાં પ્રમાણે 17 અને 18 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમની અસરને કારણે 19 થી 30 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં સારો વરસાદ જોવા મળશે. 20 જુલાઈ પછી થનારો વરસાદ ખેડૂતોના પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. અષાઢી બીજના પવિત્ર અવસરે સાંજના સમયે છૂટોછવાયો વરસાદ પડવાની પૂરી શક્યતા છે.