Fri Jun 12 2026

Logo

એર ઇન્ડિયા પ્લેન ક્રેશ: અમદાવાદ હોનારત બાદ સુરક્ષા અને વળતર અંગે થયો મોટો ખુલાસો, વાંચો ખાસ અહેવાલ

2026-06-12 19:10:32
Author: Vimal Prajapati
Article Image

એક વર્ષ પૂર્ણ થતાં એર ઇન્ડિયાના આંતરિક દસ્તાવેજોમાંથી બહાર આવી મહત્વની વિગતો

અમદાવાદ: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા (171) વિમાન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ અત્યંત દુઃખદ ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે એર ઇન્ડિયાના એક આંતરિક દસ્તાવેજમાંથી મોટા ખુલાસા થયા છે. એર ઇન્ડિયાએ પોતાની ભૂલો અને ટેકનિકલ ખામીઓ સુધારવા તેમજ પીડિત પરિવારો સુધી તાત્કાલિક મદદ પહોંચાડવા માટે છેલ્લા એક વર્ષમાં અનેક મોટા આંતરિક ફેરફારો કર્યા છે.

DGCAની દેખરેખ હેઠળ સ્પેશિયલ સેફ્ટી ડ્રાઇવ

આ ગંભીર અકસ્માતમાંથી પાઠ ભણીને એર ઇન્ડિયાએ સરકારી સંસ્થા ડીજીસીએ (DGCA) ની સીધી દેખરેખ હેઠળ એક વિશેષ સુરક્ષા અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત કંપનીના તમામ બોઇંગ 787-8 અને 787-9 વિમાનોની અત્યંત બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. રાહતની વાત એ રહી કે તપાસ દરમિયાન આ વિમાનોમાં કોઈ ખામી જોવા મળી નથી. આ સાથે બોઇંગ 737 અને 787-8 વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની પણ ચકાસણી કરવામાં આવી હતી, જે એકદમ સચોટ માલૂમ પડ્યા હતા. ભવિષ્યમાં ફ્લાઇટ મોડી ન થાય તે માટે વિમાનોને ગ્રાઉન્ડ પર વધુ સમય આપીને તેમની ટેકનિકલ સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી છે.

સુરક્ષા સંબંધિત વિશેષ પ્રોગ્રામ્સની સંખ્યા વધારી

એર ઇન્ડિયાએ પોતાના મોટા વિમાનોની કાર્યક્ષમતા સતત મજબૂત કરી છે. છેલ્લા એક વર્ષમાં સુરક્ષા સંબંધિત પ્રારંભિક કાર્યોની પ્રગતિ 75 ટકાથી વધીને 87 ટકા થઈ ગઈ છે. તેમ જ વિમાનોની જાળવણી કરતા સ્પેશિયલ પ્રોગ્રામ્સની સંખ્યા 36થી વધારીને 45 કરવામાં આવી છે. અમદાવાદ અકસ્માત જેવી મોટી હોનારત બાદ કર્મચારીઓમાં વ્યાપી ગયેલા માનસિક તણાવ અને ડરને દૂર કરવા માટે એર ઇન્ડિયાએ એક વિશેષ પહેલ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. 

માનસિક રીતે પરેશાન કર્મચારી માટે ખાસ પ્રોગ્રામ શરૂ

કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો (મહત્તમ ત્રણ સ્વજનો) ને સંપૂર્ણ ગુપ્ત થેરાપી અને માનસિક સારવાર આપવા માટે 265 નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવી છે. અકસ્માતમાં ભોગ બનેલા પરિવારો અને જમીન પર પ્રભાવિત થયેલા લોકોને આર્થિક સહાય આપવાની કામગીરી હવે આખરી તબક્કામાં છે. એર ઇન્ડિયા તરફથી તાત્કાલિક જરૂરિયાતો માટે રૂપિયા 25 લાખ પ્રતિ પરિવાર વળતર જાહેર કરાયું હતું, જે અત્યાર સુધીમાં 96% પરિવારોને મળી ચૂક્યું છે. બાકી રહેલા કેસોમાં કાયદાકીય કાગળો અધૂરા છે અથવા પરિવારનો આંતરિક વિવાદ હોવાના કારણે હજી વળતર મળી શક્યું નથી. 

ટાટા સન્સ તરફથી 90 ટકા પરિવારોને વળતર આપ્યું

એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે લોકોનું મોત થયું તે મૃતકોના પરિવારને ટાટા સન્સ (Tata Sons) તરફથી રૂપિયા ૧ કરોડની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરાઈ હતી, જેમાંથી 90 ટકા પરિવારોને આપી દેવામાં આવી છે. બાકીના પરિવારજનોને પણ એ વળતર આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે ગ્રાઉન્ડ પર ઘાયલ થયેલા 94 ટકાથી વધારે લોકોને તેમની ઈજા અને આજીવિકાના નુકસાનના આધારે વળતર ચૂકવાયું છે.

22000થી વધુ વ્યક્તિગત સામાનની સુરક્ષિત વાપસી

દુર્ઘટના સ્થળ પરથી પીડિતોનો 22,000થી વધુ વ્યક્તિગત સામાન અત્યંત સાવચેતીપૂર્વક એકત્રિત કરવામાં આવ્યો હતો. તેમાંથી 139 લોકોનો સામાન ભારત અને યુકે (UK) માં રહેતા તેમના પરિવારોને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યો છે. પ્રારંભિક વળતર બાદ હવે એર ઇન્ડિયાએ 'ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ'ની પ્રક્રિયા શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે, કોઈ પણ પરિવારને આ ઓફર સ્વીકારવા માટે ના તો દબાણ કરવામાં આવી રહ્યું છે કે ના તો કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આવું કંપનીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.