અમદાવાદઃ સતત બદલાતા હવામાનને કારણે શહેરમાં પાણીજન્ય રોગના દરદીઓ વધી રહ્યા હોવાનું અહેવાલો જણાવે છે. આ સાથે ઠેર ઠેર ચાલતા રોડરસ્તાના કામ અને દુષિત પાણીને લીધે ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ડિસીઝ પણ વધી ગયા છે. એપ્રિલ મહિનાના પહેલા પાંચ દિવસમાં જ એકલા અમદાવાદમા ડાયેરિયાના 100 કરતા વધારે કેસ અને ટાઈફોઈડના લગભગ 22 જેટલા કેસ નોંધાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. હાલમાં અમદાવાદમાં 26 જેટલા વિસ્તારો સૌથી વધારે જોખમી જાહેર કરવામાં આવ્યા છે.
સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા રોગચાળાના આંકડા અનુસાર, 1 થી 5 એપ્રિલ દરમિયાન ઝાડાના 106 કેસ, ટાઇફોઇડના 22 કેસ અને કમળાના છ કેસ નોંધાયા છે. આ સાથે ડેંગ્યુના બે કેસ પણ નોંધાયા હતા. વર્ષની શરૂઆતથી, અમદાવાદમાં ઝાડાના 1,106 કેસ અને ટાઇફોઇડના 445 કેસ નોંધાયા છે. આ ઉપરાંત કમળાના 206 કેસ, સાદા મેલેરિયાના 21 કેસ, ફાલ્સીપેરમ મેલેરિયાના આઠ કેસ, ડેન્ગ્યુના 80 કેસ અને ચિકનગુનિયાના એક કેસનો સમાવેશ થાય છે.
વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મનપાએ શહેરના 26 વિસ્તારોને સત્તાવાર રીતે હાઈ રિસ્ક એરિયા જાહેર કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ વિસ્તારોની બીમારીનો ફેલાવો શહેર આખામાં ન પ્રસરે તેથી આ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025 ની તુલનામાં પાણી પ્રદૂષણ, ડ્રેનેજ ચોકીંગ અને પાણીના લીકેજ અંગેની ફરિયાદોમાં સામાન્ય રીતે ઘટાડો થયો છે. શહેરમાં જાહેર કરાયેલા 26 ઉચ્ચ જોખમી વિસ્તારોમાં, જાન્યુઆરી 2025 માં પાણી પ્રદૂષણની કુલ 364 ફરિયાદ હતી, જે જાન્યુઆરી 2026 માં ઘટીને 330 ફરિયાદ થઈ. ફેબ્રુઆરી 2025માં પાણી પ્રદૂષણની 332 ફરિયાદ હતી, જે ફેબ્રુઆરી 2026 માં વધીને 333 થઈ ગઈ હતી. વર્ષ 2025માં આ 26 વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યા હજારોમાં હતી, તેમ અહેવાલ જણાવે છે.