અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં આજે એક ઈજાગ્રસ્તનું મૃત્યુ થતાં મરણાંક 10 પર પહોંચ્યો હતો. પોલીસે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, તેની માતા રમીલાબહેન ડોડિયા અને સાદિક સૈયદને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટે 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન ફેક્ટરી સાથે જોડાયેલા અન્ય જવાબદારો અને ગેરકાયદે નેટવર્ક સાથે કોણ કોણ કેટલા સમયથી સંકળાયેલું હતું તેની વિગતો પણ સામે આવી શકે છે.
શું હતી ઘટના
બે દિવસ પહેલા અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 8 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ આ ગેરકાયદે ફેક્ટરી ચલાવતો હતો. RAF કૅમ્પની પાછળના વિસ્તારમાં આ ફેક્ટરી આવેલી હતી. ધડાકાનો અવાજ થતા જ RAFમાં ફરજ બજાવતા જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર વિભાગની પાંચ વોટર ટેન્કર વાન ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઠારવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઘટનામાં દસ વધુ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતો, સારવાર માટે તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા કમિશનરે સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી.
અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું કે, અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં લોકોના મોત વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે. દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.