(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની કનેક્ટિવિટી વધારવા માટે રેલવે બોર્ડ દ્વારા એક મોટો નિર્ણય લઈને ત્રણ જોડી એક્સપ્રેસ ટ્રેનોના ટર્મિનલ પોઇન્ટને સાબરમતી રેલવે સ્ટેશનથી બદલીને ગાંધીગ્રામ રેલવે સ્ટેશન કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. હવે આ ટ્રેનો ગાંધીગ્રામ સ્ટેશનથી જ ઊપડશે અને ત્યાં જ પોતાની સફર પૂરી કરશે.
આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનોને રસ્તામાં ચાંદખેડા રોડ સ્ટેશન પર પણ સ્ટોપેજ આપવામાં આવશે. આ ફેરફારથી અમદાવાદના મધ્ય વિસ્તારમાં રહેતા તેમજ બોટાદ, મહુવા કે ભાવનગર તરફ મુસાફરી કરતા લોકોને સીધો ફાયદો થશે, કારણ કે ગાંધીગ્રામ સ્ટેશન મુખ્ય શહેરમાં આવેલું છે અને જાહેર પરિવહન સાથે સારી રીતે જોડાયેલું છે.
રેલવે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, જોધપુર-સાબરમતી એક્સપ્રેસ (14821/14822), આગ્રા કેન્ટ-સાબરમતી એક્સપ્રેસ (12547/12548) અને ગ્વાલિયર-સાબરમતી એક્સપ્રેસ (22547/22548) નું ટર્મિનલ હવે સાબરમતીના બદલે ગાંધીગ્રામ રહેશે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેને અનુકૂળ હોય તેવી તારીખથી આ ફેરફાર લાગુ કરવા માટે નિર્દેશ આપ્યા છે.