અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી દીધી છે પરંતુ અમદાવાદ શહેરમાં હજુ સુધી મેઘમહેર થઈ નથી. શહેરમાં દર વર્ષે ચોમાસા પહેલા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોવા છતાં અનેક જગ્યાએ 3 ઇંચથી વધુ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. જોકે હવે શહેરના કયા વિસ્તારોમાં પાણી ભરાશે તેની આગોતરી જાણ થઈ શકશે.
ચોમાસામાં અમદાવાદના કેટલા વિસ્તારમાં ભરાય છે પાણી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચોમાસામાં અમદાવાદના 109 વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 5.7 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એક વૈજ્ઞાનિક ફ્લડ પ્રિડિક્શન સિસ્ટમ (પૂરની આગાહી કરતી પ્રણાલી) વિકસાવવામાં આવશે, જે શહેરમાં પાણી ભરાય તે પહેલાં જ તેની સચોટ આગાહી કરી શકશે.
ક્યારે પૂરો થશે પ્રોજેક્ટ
ગયા વર્ષે ચોમાસા દરમિયાન પાણીથી ભરેલા રસ્તાઓ પર ચાલતી વખતે કરંટ લાગવાને કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'સિટીવાઇડ અર્બન ફ્લડ મોનિટરિંગ એન્ડ ડિસિઝન સપોર્ટ પ્લેટફોર્મ' વિકસાવવાની જવાબદારી IIT ગાંધીનગરને સોંપવામાં આવી છે. આ સંસ્થા શહેરના ડ્રેનેજ નેટવર્ક, વરસાદની પેટર્ન અને પૂરની શક્યતાવાળા વિસ્તારોનો ઊંડો અભ્યાસ કરશે. આ પ્રોજેક્ટ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની આશા છે.
કેવી રીતે સિસ્ટમ કરશે કામ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ એડવાન્સ મોડેલિંગનો ઉપયોગ કરશે, જેથી વરસાદ શરૂ થાય તે પહેલાં જ કયા વિસ્તારમાં પાણી ભરાશે તેની આગાહી કરી શકાશે. આ ઉપરાંત, નવા બનેલા રસ્તાઓ, રહેણાંક સોસાયટીઓ અને જમીનના બદલાતા ઉપયોગને કારણે ભવિષ્યમાં કયા નવા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે તેની પણ ઓળખ કરશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એકવાર આ પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય પછી, નવા ડેવલપમેન્ટ કાર્યોને લીધે ઊભા થતા વોટરલોગિંગ સ્પોટ્સને એક ખાસ ડેશબોર્ડ દ્વારા ટ્રેક કરી શકાશે. શહેરના ડ્રેનેજ નેટવર્કનો વ્યાપક અભ્યાસ કરવામાં આવશે અને હાલના તેમજ ભવિષ્યમાં ઊભા થનારા પાણી ભરાવાના પોઇન્ટ્સનું મેપિંગ કરવામાં આવશે.
આ સિસ્ટમ વાસણા બેરેજમાં વધતી જતી પાણીની સપાટી અને ધરોઈ ડેમમાંથી છોડાતા પાણીની અસરોનું પણ મૂલ્યાંકન કરશે. તેમજ જો અમદાવાદમાં વરસાદ ન પડ્યો હોય અને ઉપરવાસમાંથી પાણી છોડાવાને કારણે કયા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે તેની એડવાન્સ એલર્ટ જનરેટ થઈ શકશે.
3 કલાક પહેલા જ મળશે એલર્ટ
આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, પૂરના જોખમોનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવા માટે આ પ્લેટફોર્મ તોફાની વરસાદી પાણીના નિકાલના નેટવર્કના વન-ડાયમેન્શનલ મૉડેલિંગ અને સપાટી પર વહેતા પાણીના ટુ-ડાયમેન્શનલ મૉડેલિંગનું સંયોજન કરશે. આ ટેક્નોલોજી શહેરના અલગ-અલગ ભાગોમાં પૂરના પાણીની ઊંડાઈ, તેનો વ્યાપ, સમયગાળો અને પાણીના પ્રવાહની ગતિનો અંદાજ લગાવશે. આ પ્લેટફોર્મ મુખ્ય રસ્તાઓ, અંડરપાસ, હૉસ્પિટલો, ફાયર સ્ટેશનો અને પમ્પિંગ સ્ટેશનો જેવા મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પૂરની સંભવિત અસરનું વિશ્લેષણ પણ કરશે. ફ્લડ નાવકાસ્ટિંગ દ્વારા સત્તાવાળાઓને સંભવિત વોટરલોગિંગની 1 થી 3 કલાક અગાઉ જ આગાહી મળી જશે. જેનાથી કર્મચારીઓ અને સાધનસામગ્રીને વધુ અસરકારક રીતે તૈનાત કરી શકાશે.
જૂન મહિનામાં અમદાવાદમાં 77 ટકા વરસાદની ઘટ
અમદાવાદ જિલ્લા માટે જૂન મહિનામાં 98.2 મીમી વરસાદ સામાન્ય ગણાય છે, પરંતુ જિલ્લામાં માત્ર 22.8 મીમી વરસાદ નોંધાયો હતો, જે 77% ની ઘટ દર્શાવે છે. અમદાવાદ શહેરમાં સરેરાશ 11 મીમી વરસાદ પડ્યો છે, જે તેના વાર્ષિક સરેરાશ વરસાદના માત્ર 1.3% જ છે. હવામાન નિષ્ણાતોના મતે, આ જૂન મહિનો શહેર અને રાજ્ય બંને માટે તાજેતરના વર્ષોમાં સૌથી સૂકો રહ્યો છે. રાજ્યના 8 જિલ્લાઓમાં 90 ટકાથી વધુ વરસાદની ઘટ છે. વર્ષ 2022 માં 30 જૂન સુધીમાં શહેરમાં 33 મીમી અને ગુજરાતમાં 64.2 મીમી વરસાદ નોંધાયો હતો.