Wed Jul 01 2026

Logo

છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદમાં દરરોજ શ્વાન કરડવાના અઢીસો કેસ

2026-07-01 19:58:26
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શ્વાનને પકડવા અને સ્ટરીલાઈઝ્ડ કરવા સહિતના પ્રયત્નો છતાં અમદાવાદમાં શ્વાન કરડવાના કેસમાં વધારો નોંધાયો હોવાનું આંકડાઓ અને અહેવાલો જણાવે છે. મનપાના આંકડાઓ દર્શાવે છે કે 2025 માં શ્વાન કરડવાના 77,000 થી વધુ કેસ નોંધાયા હતા, એટલે કે દિવસદીઠ સરેરાશ 211 કેસ નોંધાતા હતા, આ વર્ષે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે. મનપાએ 26 એપ્રિલથી 26 જૂન વચ્ચે 22,500 શ્વાન કરડવાના કેસ નોંધ્યા છે, એટલે કે રોજ સરેરાશ 250 કેસ નોંધાયા છે. 

આનો અર્થ એ થયો કે વર્ષોથી નસબંધીના પ્રયાસો અને નોંધપાત્ર ખર્ચ છતાં રખડતા શ્વાનોનો ભય ચાલુ છે. મનપાના ડેટા પણ પ્રાણીઓના કરડવાના કેસોમાં વાર્ષિક ધોરણે વધારો દર્શાવે છે. વર્ષ 2025ના સમયગાળા કરતા 26 મે અને 26 જૂન, 2026 વચ્ચે શ્વાન કરડવાના કેસોમાં 21% નો વધારો થયો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર  શ્વાન નહીં, અન્ય પ્રાણીઓના કરડવાના અન્ય કેસોમાં પણ વધારો નોંધાયો હતો. વાંદરાના કરડવાના બનાવોમાં 44.7%નો વધારો થયો છે, જ્યારે બિલાડીના કરડવાના બનાવોમાં 155.7%નો વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સમગ્ર ભારતમાં શ્વાન કરડવાની ઘટનાઓ અંગેના નવેમ્બર 2025ના તેના આદેશમાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યા પછી આ મુદ્દો ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે.

મનપા અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2020 થી શ્વાન કરડવાના કેસોમાં વધારો થયો છે, ખાસ કરીને બોપલ-ઘુમા, કઠવાડા અને નાના ચિલોડાને મનપાની હદમાં સમાવિષ્ટ કર્યા પછી, શહેરના ભૌગોલિક વિસ્તાર અને રખડતા શ્વાનોની વસ્તી બંનેમાં વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં, અમદાવાદમાં શ્વાન કરડવાના 3.14 લાખ કેસ નોંધાયા છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. 

દરમિયાન, મનપાએ દાવો કર્યો છે કે જાન્યુઆરી-2026થી રખડતા શ્વાનોની સમસ્યાને નિયંત્રણમાં લાવવા તેઓ વિશેષ પ્રયત્નો કરી રહ્યા છે. પશુ ઉપદ્રવ નિયંત્રણ વિભાગ દ્વારા મળેલી ફરિયાદોના આધારે, મનપાએ છેલ્લા ત્રણ મહિનામાં 77 આક્રમક રખડતા શ્વાનોને પકડી લીધા છે, તેમ  અહેવાલ જણાવે છે.