Thu Jul 23 2026

Logo

સ્પોર્ટ્સ પ્રોફેસર ખેલાડી નીકળ્યો, વિદ્યાર્થીઓને નોકરીની લાલચ આપી લાખો ખંખેર્યા

2026-07-02 15:29:23
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શિક્ષકો શિક્ષણ સાથે કારકિર્દી ઘડતરમાં માર્ગદર્શન આપે છે અને વિદ્યાર્થીઓને આગળના જીવનની દિશા પણ બતાવે છે, પરંતુ અમદાવાદમાં એક પ્રોફેસરે વિદ્યાર્થીઓને નોકરી અને ક્રિકેટ ટૂનાર્મેન્ટ માટે સિલેક્શનના બહાને ખંખેરી નાખ્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

મળતી વિગતો અનુસાર ગુજરાત કૉલેજમાં સ્પોર્ટ્સના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પ્રજ્ઞેશ બારહાટે ફરજ બજાવે છે. તેમણે કથિત રીતે વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી આપવા અને તેમ જ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનની ટીમમાં સિલેક્શનની લાલચ આપી હતી. આ માટે તેમણે વિદ્યાર્થીઓ પાસેથી લાખોની રકમ પણ લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

તેમણે વિદ્યાર્થીઓને ઈ-મેલ દ્વારા જાણકારી મળશે, તેમ જણાવ્યું હતું. જોકે લાંબા સમય સુધી કોઈ ઈ-મેલ આવ્યા ન હોવાથી વિદ્યાર્થીઓએ પ્રોફેસરને ફોન કર્યો હતો, પરંતુ તેમનો ફોન પણ સ્વિચ્ડ ઓફ આવતો હતો. પોતાની સાથે ફ્રોડ થયાની જાણ થતા વિદ્યાર્થીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

સાણંદના વિદ્યાર્થીએ પોતાની સાથે એક મિત્રના સિલેક્શન માટે 99,000 રૂપિયા પ્રોફેસરને આપ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. વધુ તપાસમાં પોલીસે અન્ય બે વિદ્યાર્થી પાસેથી પણ 15,000 રૂપિયા પડાવ્યા હોવાની માહિતી મળી હતી. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.