(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા લોકોના જીવ સાથે રમત રમતા એક ખૂબ જ ગંભીર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસે બાતમીના આધારે ચાંગોદર નજીક એક ભાડાના મકાન પર દરોડો પાડીને ફાર્મા ઉદ્યોગમાં સપ્લાય થતા ઉચ્ચ ગુણવત્તાવાળા ઓરિજનલ બ્લડ પ્લાઝમાની ચોરી કરી, તેના સ્થાને ભેળસેળયુક્ત નકલી પ્લાઝમા ધાબડી દેતી ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોને દબોચી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં માસ્ટરમાઇન્ડ દિનેશ ચૌધરી (ધાનેરા), મોહન ગાયકવાડ (મહારાષ્ટ્ર), રફીક (ધોળકા) અને જીતેન્દ્ર સોલંકી (ધોળકા)નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી આશરે રૂ. 11 લાખની કિંમતના 1150 નંગ બ્લડ પ્લાઝમા યુનિટ, કેમિકલની બોટલો, ડીપ ફ્રીઝર, સીલિંગ મશીન અને એક વાહન સહિત કુલ રૂ. 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી પહેલાં ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓમાં બ્લડ પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યો હોવાથી આ પ્રક્રિયાની તમામ બાબતોથી વાકેફ હતો.
મહારાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાંથી અસલી પ્લાઝમા લઈને પરત ફરતી વખતે ટ્રાન્સપોર્ટેશન વાહનના ડ્રાઈવર જીતેન્દ્ર અને ક્લીનર રફીક કંપનીમાં જવાને બદલે ગાડી સીધી દિનેશના ઘરે લઈ જતા હતા. ત્યાં તેઓ ગાડીમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળો અસલી જથ્થો કાઢી લેતા અને વજન બરાબર રાખવા માટે તેમાં સલાઈન વોટર મિશ્રિત નકલી પ્લાઝમા ગોઠવીને કંપનીમાં રવાના કરી દેતા હતા. છેલ્લા છ મહિનાથી આ ટોળકી ચોરી કરેલો અસલી પ્લાઝમા બજારભાવ કરતાં અડધી કિંમતે વિવિધ બ્લડ બેંકોમાં વેચી મારી આર્થિક લાભ મેળવતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, બજારમાં જે બ્લડ પ્લાઝમાનો ઉપયોગ કેન્સર વિરોધી અકસીર દવાઓ બનાવવા તેમજ હિમોફિલિયા અને રોગપ્રતિકારક શક્તિની ખામી ધરાવતા ગંભીર દર્દીઓને સીધો ચડાવવા માટે થાય છે, તેની સાથે આ લોકો ચેડાં કરતા હતા. આ ઉપરાંત, ચોરી કરેલા અસલી પ્લાઝમાને નિયમ મુજબ -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સાચવવાને બદલે સામાન્ય બરફના બોક્સમાં રાખવામાં આવતો હોવાથી તે બગડી જતો હતો, જે દર્દીઓ માટે અત્યંત ઘાતક અને જોખમી સાબિત થઈ શકે છે. હાલ પોલીસની એસઓજી ટીમ આ નકલી જથ્થો કઈ-કઈ ફાર્મા કંપનીઓ સુધી પહોંચ્યો છે અને તેમાં કયા નાણાકીય વ્યવહારો થયા છે તેની તપાસ હાથ ધરી હતી.