Thu Jul 23 2026

Logo

35 ગુનાઓમાં સંડોવાયેલા દારૂના મોટા સપ્લાયરને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી લીધો

2026-07-21 20:27:15
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાત પોલીસ દ્વારા વોન્ટેડ તેમજ જેલમાંથી પેરોલ જંપ કરીને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવાની કવાયત ચાલી રહી છે. આ અભિયાન દરમિયાન 35 ગુનાઓમાં સંડોવાયેલા અને સાત ગુનાઓમાં વોન્ટેડ એવા દારૂના મોટા સપ્લાયર નરેશ રાવળને નરોડામાંથી ઝડપી લેવામાં આવ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન ગુજરાતમાં ચાલતા દારૂના ગેરકાયદે નેટવર્કના અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસથી બચવા માટે નરેશ રાવળ પોતાની ઓળખ અને સરનામું બદલીને રહેતો હતો.

ગુજરાતમાં દારૂના ગેરકાયદે વેપાર અને ફરાર આરોપીઓ સામે ચાલી રહેલા અભિયાન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરીને છેલ્લા લગભગ ત્રણ વર્ષથી ફરાર અને પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં વોન્ટેડ બુટલેગર નરેશભાઈ ઉર્ફે નરીયો રઈજીભાઈ રાવળ (રહે. રાવળવાસ, કોલવડા)ની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. આરોપી પોતાની ઓળખ અને સરનામું બદલીને પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મૂળ કોલવડાનો રહેવાસી નરેશ હાલ નરોડા નજીક આવેલા મુઢીયા ગામમાં રહેતો હતો.

આ કેસમાં પીએસઆઈ વી. કે. રાઠોડને બાતમી મળી હતી કે નરેશ પોતાની ઓળખ છુપાવીને હાલ નરોડા રણાસર ટોલનાકા પાસે આવેલા મુઢીયા ગામમાં રહે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન દારૂના નેટવર્ક અંગેની અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવે તેવી શક્યતા અધિકારીઓએ વ્યક્ત કરી છે. 

રાજસ્થાનથી ગાંધીનગર અને અમદાવાદ સુધી દારૂનો જથ્થો પહોંચાડવામાં નરેશની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. તપાસ દરમિયાન એવી પણ ચર્ચા છે કે કેટલાક પોલીસકર્મીઓ સાથે તેની કથિત ગોઠવણ હોવાના કારણે દારૂ ભરેલા વાહનો રોકટોક વિના ગંતવ્ય સ્થળે પહોંચી જતા હતા.

હવે નરેશ ઝડપાઈ જતાં તેના મોબાઇલ ફોનમાંથી જો કોઈ પોલીસકર્મીઓના નામ, વોટ્સએપ ચેટ અથવા અન્ય પુરાવા મળી આવશે તો સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જેના કારણે તેની સાથે સંપર્કમાં રહેલા કેટલાક પોલીસકર્મીઓમાં પણ દોડધામ મચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.