Thu Jul 23 2026

Logo

રથયાત્રા પહેલા અમદાવાદમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, CP અનુપમસિંહે તૈયારીઓની કરી સમીક્ષા

2026-07-10 14:31:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા 16 જુલાઈના રોજ નીકળવાની છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળે તેને લઈને અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને તડામાર તૈયારીઓ કરી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રા રૂટ પર સુરક્ષાની સ્થિતિને લઈને સમીક્ષા કરી હતી. 

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગને કોમી એકતા યાત્રા નામ આપ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ, ડીસીપી અજીત રાજિયન તેમજ એસ.ઓ.જી અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ પેટ્રોલિંગ કર્યું હતું. તેમણે કોઇપણ અફવા અને ભ્રામક માહિતી પર વિશ્વાસ ન રાખવા ખાસ અપીલ કરી હતી.

પોલીસનું સરસપુર મંદિર સુધી 8 કિમીનું પેટ્રોલિંગ

રથયાત્રાની તૈયારીઓ અને ફૂટ પેટ્રોલિંગને લઇને શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ તૈયાર છે. પોલીસનું માનવું છે કે ફૂટ પેટ્રોલિંગ દ્વારા રથયાત્રા પૂર્વે લોકોમાં સુરક્ષાની ભાવના અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરાયો છે. 

ફૂટ પેટ્રોલિંગ ક્રાઇમ બ્રાન્ચ, SOG, સાયબર સેલ અને મહિલા વિંગ દ્વારા સંયુક્ત રીતે આવ્યું હતું. સરસપુર મંદિર સુધી આશરે 8 કિલોમીટરનું એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગ કરાયું હતું. દરમિયાન નાગરિકોને પોલીસની સૂચનાઓનું પાલન કરવા અને પોલીસ અને લોકોના સહયોગથી રથયાત્રા સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

પોલીસ અને કોર્પોરેશનની ટીમ રહેશે હાજરઃ મેયર

અમદાવાદના મેયર મેયર હિતેશ બારોટે જણાવ્યું કે, 16મી તારીખે નીકળનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાના રૂટનું શુક્રવારે (10 તારીખે) જગન્નાથ મંદિરના ટ્રસ્ટી, ડેપ્યુટી મેયર, ચેરમેન અને ધારાસભ્ય કૌશિકભાઈની આગેવાનીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગોતરું આયોજન કરાયું છે, જેમાં રૂટ પરના તમામ જર્જરિત મકાનોને નોટિસ આપીને જે મકાનના ઉતારવા જેવા ભાગ હતા તે ઉતારી લેવાયા છે અને સુરક્ષા માટે ત્યાં ગ્રીન કવર કે પતરા લગાડી દેવાયા છે. રથયાત્રાના દિવસે આવા જર્જરિત મકાનો પર લોકો એકઠા ન થાય તે માટે પોલીસ બંદોબસ્તની સાથે કોર્પોરેશનની ટીમ પણ ત્યાં ખાસ હાજર રહેશે.

રથયાત્રાને લઈને વહીવટી તંત્ર સજ્જ

રથયાત્રાને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના તમામ પદાધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સંયુક્ત રીતે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રથયાત્રાના રૂટ પર આવતા જર્જરિત મકાનો,  રોડ રિપેરિંગ અને વૃક્ષોના ટ્રિમિંગ સહિતની તમામ કામગીરી સમય પહેલાં જ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેથી રથયાત્રા દરમિયાન ભક્તોને કોઈ મુશ્કેલી ન નડે.

રથાયાત્રા રૂટ પર કોઇ ખામી નહીં: મંદિર ટ્રસ્ટી

જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જમાલપુર મંદિરથી ભગવાનના મોસાળ સરસપુર રણછોડજી મંદિર સુધીના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં એક પણ જગ્યાએ કોઈ ખામી જોવા મળી નથી. આ વખતે તંત્ર દ્વારા એડવાન્સમાં જ તમામ કામો પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.