Tue Sep 01 2026

Logo

આનંદનગર રેપ કેસ બાદ અમદાવાદમાં 700થી વધુ સિક્યુરિટી એજન્સીઓ પર દરોડા, ત્રણ સામે કાર્યવાહી

2026-08-12 20:28:46
Author: Pooja Shah
આનંદનગર રેપ કેસ બાદ અમદાવાદમાં 700થી વધુ સિક્યુરિટી એજન્સીઓ પર દરોડા, ત્રણ સામે કાર્યવાહી

અમદાવાદઃ શહેરમાં આનંદનગર વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે સિક્યોરિટી ગાર્ડે કરેલા દુષ્કર્મ બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી છે. આ ચર્ચિત કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે શહેરભરમાં આવેલી 700થી વધુ સિક્યુરિટી એજન્સીઓમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હોવાની માહિતી મળી છે. 

શહેરમાં લગભગ 1000થી વધુ સિક્યુરિટી એજન્સીઓ કાર્યરત છે, જેમાંથી અત્યાર સુધીમાં 700થી વધુ એજન્સીની આકરી તપાસ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન પોલીસ દ્વારા એજન્સીઓ કેટલા વર્ષથી કાર્યરત છે, તેમની પાસે માન્ય લાયસન્સ છે કે નહીં, કંપનીનું પ્રોપર રજીસ્ટ્રેશન છે કે નહીં તેમજ કેટલા ગાર્ડ નોકરી કરે છે, વેગેરની વિગતો મેળવવામાં આવી રહી છે. ખાસ કરીને ગાર્ડ્સનું પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું છે કે નહીં અને હથિયારધારી ગાર્ડ્સ પાસે ગનનું વેલિડ લાયસન્સ છે કે કેમ તેની ઝીણવટભરી ચકાસણી કરાઈ રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


કેટલીક એજન્સીઓ પાસે લાયસન્સ હોવા છતાં તે સક્રિય ન હોવાનું અથવા નિયમ વિરુદ્ધ ચાલતી હોવાનું પણ બહાર આવ્યું છે. આ સાથે જ, તપાસ દરમિયાન 3 સિક્યુરિટી એજન્સીઓ પાસે તો
પ્રાઇમરી લાયસન્સ જ ન હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત કેટલીક એજન્સીઓમાં નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડ્સનું ફરજિયાત રજીસ્ટ્રેશન અને પોલીસ વેરિફિકેશન પણ કરાયું ન હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસ ચેકિંગની આ કાર્યવાહીથી નિયમોને નેવે મૂકીને ધમધમતી એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે અને પોલીસ હવે આવી અનિયમિતતા આચરતી તમામ એજન્સીઓ સામે કડક ગુના નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી રહી છે, તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.