અમદાવાદઃ શહેરની મહાનગરપાલિકાએ ઘરમાં પાળેલી બિલાડીનું રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યા બાદ હવે પાળતું પ્રાણી માટેની દુકાનો ચલાવતા લોકો માટે ફરજિયાત રજિસ્ટ્રેશનનો નિયમ સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (એસપીસીએ)એ લાવ્યો છે. જે પેટ શૉપનું રજિસ્ટ્રેશન નહીં થયું હોય તેને સિલ કરવામાં આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
ગુજરાતમાં સૌપ્રથમ વખત, એસપીસીએએ શહેરભરની 20 પાલતુ પ્રાણીઓની દુકાનોને ત્રીજી અને અંતિમ નોટિસ ફટકારી છે, જેમાં તેમને ગુજરાતના પશુ કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓ ચેતવણી આપે છે કે પાલન ન કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં સીલ મારવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાનો હેતુ પાલતુ પ્રાણીઓના વેપારને નિયંત્રિત કરવાનો છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
અધિકારીઓનું કહેવું છે કે નોંધણીથી શેડ્યૂલ-1 સંરક્ષિત વન્યજીવોના ગેરકાયદે વેચાણને રોકી શકાશે, દુકાનના પ્રાણીઓ માટે પરિસ્થિતિઓમાં સુધારો થશે અને ગ્રાહકોને ઓરિજિનલ સ્વસ્થ, સર્ટિફાઈડ પાલતુ પ્રાણીઓ મળશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
એક અધિકારના કહેવા અનુસાર પહેલીવાર પ્રાણીઓનું વેચાણ કરતા એકમો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈન્સ્પેક્શન સમયે પેટ શૉપની સ્વચ્છતા, વેન્ટિલેશન, જગ્યા, ખોરાક, પશુચિકિત્સા સંભાળ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરાશે, અને તેનો હેતુ ભીડભાડવાળી સ્થિતિમાં રાખવામાં આવેલા બીમાર પ્રાણીઓના વેચાણને રોકવાનો છે. આ માટે પોલીસફોર્સની પણ મદદ લેવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે તેમણે પ્રાણીપ્રેમીઓને લાયસન્સવાળી દુકાનોમાંથી જ ખરીદવાની અપીલ કરી હતી.