અમદાવાદ/સુરતઃ ગુજરાતમાં બિહાર જેવી ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદમાં જમાઈએ સસરાને છરીના ઘા માર્યા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, નારોલમાં રહેતા મૃતક અજીજભાઈ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની દીકરી છેલ્લા થોડા દિવસોથી પિયરમાં હતી.
આરોપી જમાઈ તેની પત્નીને તેડવા સાસરીમાં આવ્યો હતો. તેણે પત્નીને સાસરે કેમ મોકલતાનથી તેમ કહેતા સસરા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ જમાઈ પોતાના ઘરે ગયો હતો અને ત્યાંથી પોતાના ભાઈને સાથે લઈને પરત સાસાસરીમાં આવ્યો હતો. આવેશમાં તેણે સસરા પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
બનાવ અંગે પોલીસે કહ્યું કે, મૃતક અને આરોપી વચ્ચે પારિવારિક કારણોસર વિવાદ ચાલતો હતો. આરોપીની પત્ની પિયરમાં હોવાથી તેને તેડવા આવ્યો ત્યારે બોલાચાલી થઈ હતી. આરોપીએ તેના ભાઈ સાથે મળીને સસરા પર હુમલો કર્યો હતો. જેમાં તેમનું મોત થયું હતું.
સુરતમાં ભાઈની નજર સામે જ બહેનનું મોત
ડાયમંડ નગરી સુરતમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો રહ્યો હતો. લસકાણા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં ભાઈની નજર સામે જ બહેનનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, ગઢપુર વાય જંકશન પાસે ટ્રક ચાલકે મોપેડ પર જઈ રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોને ટક્કર મારી હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ થવાથી મહિલાનું મોત થયું હતું. જ્યારે તેમના ભાઈ અને પૌત્રને સામાન્ય ઈજા પહોંચી હતી.
રોડ પર લોહીલુહાણ હાલતમાં પડેલી મહિલાને અન્ય મહિલાઓએ પોતાની ઓઢણી આપી ઝોળી બનાવી ઉચકીને કારમાં હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન 108 આવી જતા હોસ્પિટલ ખસેડી હતી જોકે તેને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.
અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રક નંબરના આધારે ફરાર ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.