અમદાવાદઃ અમદાવાદમાં દીપડો ફરતો હોવાના અનેક વીડિયો અને ફોટો વાયરલ થતા હોવાના તાજા અહેવાલો મળી રહ્યાં છે. જેથી ગુજરાત વન વિભાગે આ દીપડાની શોધખોળ કરવા માટે એક અભિયાન પણ શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમામે ગઈ કાલે કર્ણાવતી ક્લબ અને એસ.પી. રિંગ રોડ વચ્ચેના વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેથી હવે વન વિભાગને વધારે સતર્ક રહેવાની જરૂર છે.
વિગતે વાત કરવામાં આવે તો,
કર્ણાવતી ક્લબ અને એસ.પી. રિંગ રોડની બાજુમાં આવેલા કાફેના એક કર્મચારીએ જણાવ્યું કે, તેણે વહેલી સવારે એક દીપડો જોયો હતો. કાફે કર્મચારીએ દાવો કર્યો કે, તેણે સવારે લગભગ 4 વાગ્યે કાફેની પાછળ ખુલ્લા વિસ્તારમાં એક દીપડો બેઠો જોયો હતો. તેના કહેવા મુજબ, તેણે તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર ફોન કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ તેણે કાફે મેનેજરને જાણ કરી, જેના પગલે વન વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પહેલા અહીં પાંજરુ પણ ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ વન વિભાગે દીપડો ન હોવાનું કહેતા હટાવી દેવામાં આવ્યું હતું.
વન વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી
જોકે, વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે સ્થળ પર મળેલા પગના નિશાન દીપડાના નથી. કર્મચારીનું કહેવું છે કે, આ દીપડો હતો પરંતુ વન વિભાગ દ્વારા આ દાવાને ખોટો ગણાવવામાં આવ્યો છે. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, આ પગના નિશાન દીપડાના પગના નિશાન સાથે મેળ ખાતા નથી. દીપડાના પગના નિશાનમાં, પંજા સામાન્ય રીતે દેખાતા નથી કારણ કે તે પાછળની તરફ રહે છે. જોકે, સ્થળ પર મળેલા નિશાનોમાં સ્પષ્ટપણે પંજાના નિશાન જોવા મળ્યા હતા, આથી શ્વાનના નિશાન હોવાની સંભાવના હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં વિભાગે કહ્યું કે, તેમને શહેરના ચાર સ્થળોએથી દીપડા જોવા મળ્યા હોવાના અહેવાલો મળ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર એક સ્થળે જ દીપડાની હાજરી હોવાના પુરાવા મળ્યા છે.