અમદાવાદઃ શહેરમાં સાયબર ક્રાઈમનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે. ડિજિટલ અરેસ્ટ કરીને ગઠિયાઓ લાખો-કરોડો રૂપિયા પડાવી લે છે. આવું માત્ર ટેક્નોલોજી ન જાણતા હોય એવા લોકો સાથે જ નથી બની રહ્યું, આવું સોની વેપારી સાથે પણ થયું છે. શહેરના સી.જી. રોડ પર આવેલી જાણીતી જ્વેલરી શોપના માલિકનું સીમકોર્ડ બ્લોક કરાવીને સાયબર ગઠિયાએ 84 લાખ રૂપિયા ખંખેરી લીધા છે. આ પૈસા જુદા-જુદા ખાતામાં યુદ્ધના ધોરણે ટ્રાંસફર પણ કરી દેવામાં આવ્યા હતા. આ કેસમાં સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, વેપારીનું સિમકાર્ડ બ્લોક કરાવનારનિ વિગત આપવાનો સર્વિસ પ્રોવાઈડરે નકારો કરી દીધો છે. વેપારી ભાગ્યેશ સોની શહેરના જાણીતા સી.જી.રોડ પર જ્વેલરી શૉપ ધરાવે છે.
ટેલિકોમ કંપનીએ મૌન સેવી લીધુ
એમનો જે મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક હતો એ મોબાઈલ નંબર પરથી જ ફ્રોડ થયું હતું. ઓટીપી અન્ય મેસેજના માધ્યમથી નાણાકીય વ્યવહાર થાય છે એવી ખબર ગઠિયા સુધી પહોંચી ચૂકી હતી. ગત તા.30ના રોજ તેઓ જ્યારે પોતાના પરિવાર સાથે ફરવા ગયા હતા એ સમયે અચાનક મોબાઈલમાં નેટવર્ક પકડાતું ન હતું. ટેકનિકલ ફોલ્ટ માનીને ત્યાં તો કામ ચલાવી લીધુ, પણ જ્યારે અમદાવાદ આવીને તપાસ કરી તો જાણવા મળ્યું કે,કોઈ એમનો નંબર બંધ કરવા અરજી કરી ગયું છે. સિમકાર્ડ બંધ કરવાની રિક્વેસ્ટ નાંખી ગયું છે. એ પછી એક નવું સિમકાર્ડ પણ ઈસ્યૂ થયું છે. ખાનગી કંપનીનું સિમકાર્ડ કોણે લીધું અને કોણ વેપારીનું સિમકાર્ડ બંધ કરાવવા માટે આવ્યું હતું એ અંગે વિગત આપવાનો ખાનગી ટેલિકોમ કંપનીએ ઈન્કાર કરી દીધો, જ્યારે બેંક ખાતાની તપાસ કરવામાં આવી એ સમયે પહેલી-બીજી તારીખે કોઈએ નાણાકીય વ્યવહાર કર્યાનું સામે આવ્યું છે.
સિમ સ્વેપ મોડસ ઑપરેન્ડી
આ વાત જ્યારે વેપારીના સામે આવી એ સમયે એના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 83.37 લાખની રકમ જુદા-જુદા ખાતામાં ટ્રાંસફર કરી દેવામાં આવી હતી. આ સમગ્ર કેસ અંગે સાયબર ક્રાઈમ પોલીસની ટીમ તપાસ કરી રહી છે. ટેકનિકલ એનાલીસીસના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર કેસમાં સિમ સ્વેપ શૈલીનો ઉપયોગ કરીને ગઠિયા પૈસા ખંખેરી ગયા છે. આ શૈલીમાં વ્યક્તિ તમારો મોબાઈલ નંબર તમારી જાણકારી વગર કે તમને જાણ કર્યા વગર બીજા સિમકાર્ડ પર જે તે નંબરને ટ્રાંસફર કરાવી લે છે.આવો નંબર જો કોઈ ઠગ મેળવી લે તો ઓટીપી અને અન્ય મેસેજ એમના મોબાઈલ નંબર પર આવે છે. આનાથી જે તે ખાના પાસવર્ડ તે રીસેટ કરી શકે છે. જ્યારે અચાનક મોબાઈલમાં નેટવર્ક આવવાનું બંધ થઈ જાય, સર્વિસ સ્લો થઈ જાય તથા અચાનક ઈમરજન્સી કોલ્સ ઓન્લી જ લાગે તો સિમ સ્વેપ થયાનું સમજવું જોઈએ.
યુદ્ધના ધોરણે આ કામ પહેલા કરો
આવી પરિસ્થિતિ ઊભી થાય એવા સમયે બેંક ખાતામાંથી જે તે મોબાઈલ નંબરને યુદ્ધના ધોરણે અપડેટ કરાવી દેવા જોઈએ. થોડા સમય માટે બેંક ખાતા ફ્રીઝ કરાવવા જોઈએ. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને સંપર્ક કરવો જોઈએ. જે તે ખાતાના એટીએમના પીન નંબર અને મોબાઈલ બેંકિંગના પાસવર્ડ બદલી દેવા જોઈએ. આ કેસમાં પોલીસ હવે વેપારીના કોલડિટેઈલની પણ તપાસ કરશે. જોકે અન્ય ક્યા ટેલિકોમ કંપનીમાં સિમ સ્વિચ થયું એ જાણવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. આવા કેસમાં મોટાભાગે બેંક વિગત પરથી જ વ્યવહાર થતા હોય છે.