Thu Jul 23 2026

Logo

અમદાવાદમાં નીકળશે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા, મંદિરમાં તૈયારીનો ધમધમાટ

2026-06-22 15:05:38
Author: Mayur Patel
Article Image

ChatGTP Ai Generated Image


અમદાવાદઃ શહેરમાં  16 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા માટે જમાલપુર મંદિરે તૈયારીઓ શરુ થઇ ગઈ છે . રથ શણગાર અને ભક્તોની ભીડથી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. 

અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો અત્યારથી જ ભક્તિમય માહોલ જામ્યો છે. આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે નગરચર્યાએ નીકળશે. આ ભવ્ય યાત્રા પૂર્વે જમાલપુર જગન્નાથ મંદિરમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

અત્યારથી જ મંદિરમાં ભાવિકોનું ઘોડાપૂર

ભગવાનના રથને આકર્ષક કલરકામ અને વિશેષ શણગાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રાના મુખ્ય આકર્ષણ સમાન ગજરાજ પણ તૈયાર છે. મંદિર પરિસરમાં અત્યારથી જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ભક્તો ભગવાનના શણગાર અને નૂતન વાઘા સાથે દર્શનાર્થે પહોંચી રહ્યા છે.

જ્યારે ભક્તો ભગવાનને વાઘા અર્પણ કરી રહ્યા હતા, ત્યારે મંદિર પરિસર "જય રણછોડ, માખણ ચોર"ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ઢોલ-નગારાના તાલે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાવિકોએ મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી. 

ભગવાનની આ રથયાત્રા જૂના અમદાવાદના પરંપરાગત વિસ્તારો જેવા કે જમાલપુર ચકલા, આસ્ટોડિયા, રાયપુર, ખાડિયા, કાલુપુર, સરસપુર (મોસાળ), દરિયાપુર અને શાહપુર જેવા વિસ્તારોમાં ફરીને ફરી નીજ મંદિર પહોંચે છે.

તાજેતરમાં જ રથયાત્રાના માર્ગ પર આવેલા જર્જરિત અને જોખમી મકાનો અંગે AMCએ વિશેષ સર્વે હાથ ધર્યો હતો.સર્વે દરમિયાન શહેરમાં કુલ 274 મકાનો જોખમી હાલતમાં હોવાનું સામે આવતા મકાનમાલિકોને નોટિસ ફટકારવામાં આવી હતી. AMC દ્વારા મકાનના જોખમી ભાગોને તાત્કાલિક ઉતારવા તેમજ જરૂરી રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી.