અમદાવાદઃ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વહેલી સવારે અબુધાબીથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં મહિલા પેસેન્જર પાસેથી 233 ગ્રામ 24 કેરેટના અને ત્રીપલ નાઈન મારકાના બે ગોલ્ડ બિસ્કીટ મળી આવ્યા હતા, જેની માર્કેટ વેલ્યુ 34.29 લાખ થતી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. એરપોર્ટ કસ્ટમના સૂત્રોએ જણાવ્યું હતું કે વહેલી સવારે અબુધાબી થી અમદાવાદ આવેલી ફ્લાઈટ નંબર 3એલ -111 માં એક શંકાસ્પદ મહિલા પેસેન્જર ઉપર કસ્ટમ વિભાગે વોચ રાખી હતી.
દરમ્યાનમાં કસ્ટમર અધિકારીઓએ મહિલાની પૂછપરછ કરી હતી, પરંતુ તેણે પોતાની પાસે કશું જ નહીં હોવાનું જણાવ્યું હતું. જોકે કસ્ટમના અધિકારીઓને પ્રોફાઇલ ડેટાના આધારે શંકા જતા ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરવામાં આવતા તેની પાસે શંકાસ્પદ વસ્તુ હોવાનું જણાયું હતું.
ત્યારબાદ મહિલા કસ્ટમ અધિકારીએ તપાસ કરતા તેણે પહેરેલા બુરખાની અંદર 24 કેરેટના બે ગોલ્ડ બિસ્કીટ છુપાવ્યા હોવાનું બહાર આવતા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મહિલા પેસેન્જર કેરિયર તરીકે કામ કરતી હોવાનું બહાર આવ્યું છે. આ ગોલ્ડ અમદાવાદમાં કોને આપવાનું હતું તેની ડિટેલ કસ્ટમ વિભાગે મોબાઈલના આધારે મેળવી લીધી છે અને અગાઉ પણ આ મહિલાએ કેટલી ફોરેન ટ્રીપ કરી તેની પણ તપાસ ચાલી રહી છે.
અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સોનાની દાણચોરી કરવા માટે દાણચોરોની સિન્ડિકેટ હજુ પણ સક્રિય છે અને કસ્ટમના જ કોઈ અંદરના અધિકારી આ પ્રકારની મદદગારી કેરિયર પેસેન્જરને કરતા હોવાની પણ આ શંકા સેવાય રહી છે. અગાઉ એક પેસેન્જર 65 લાખ રૂપિયાનું ગોલ્ડ લઈને બહાર નીકળી ગયો હતો, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.