Sat Jun 20 2026

Logo

અમદાવાદ-ગાંધીનગર એક થઈ જશે, AUDA અને GUDAના મર્જરનો પ્લાન, લોકોને શું થશે ફાયદો ?

2026-06-20 10:39:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ટૂંક સમયમાં અમદાવાદ-ગાંધીનગર એક થઈ જશે. AUDA અને GUDAના મર્જરનો પ્લાન થશે. અમદાવાદ અને ગાંધીનગર શહેરોને જોડીને 'મેગા સિટી' બનાવાશે. જેનાથી સાણંદ, બાવળા અને કલોલ જેવા વિસ્તારોને મોટો વેગ મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઈમાં જે રીતે MMRDA કામ કરે છે તે જ તર્જ પર, આ ઓથોરિટી અમદાવાદ-ગાંધીનગર વિસ્તારના વિકાસ, પ્રદૂષણ નિયંત્રણ અને વેસ્ટ મેનેજમેન્ટ કામગીરી સંભાળશે. BRTS, મેટ્રો અને સિટી બસ જેવી સ્થાનિક પરિવહન સેવાઓનું સંચાલન એક જ છત્ર હેઠળ લાવવાથી નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે

મળતી વિગત પ્રમાણે, વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને મોટેરા સ્ટેડિયમની આસપાસ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઊભી કરાશે. ટ્રાફિક ઘટાડવા માટે હાલના એસ.પી. રિંગ રોડને સમાંતર 100થી 125 કિલોમીટર લાંબો નવો મોટો રિંગ રોડ બનાવવાનું આયોજન છે. જૂના રિંગ રોડને 4-લેનમાંથી 6-લેન કરાશે. ન્યૂયોર્ક અને દુબઈ જેવી ગગનચુંબી ઇમારતો બનાવવા માટે કાયદામાં છૂટછાટ અને મેટ્રો-BRTS રૂટની આસપાસ વધુ FSI અપાશે.

નવા પ્લાનમાં રિંગ રોડની બહારના 169 ગામો અને 5 નગરપાલિકાઓનો સમાવેશ થશે. હાલ 25 જનરલ ખેતી ઝોનના ગામે છે ત્યાં રહેણાંક કે કોમર્શિયલ ઝોન આવશે તો જમીનના ભાવ આકાશને આંબશે. આ ગામોમાં   ખાત્રજ, સનાવડ, રણછોડપુરા, મણિપુર, ગોધાવી, કોલાટ, મોરૈયા, ચાંગોદર, કાસીન્દ્રા, જેતલપુર, નાંદેજ, કણભા, રાંદેસણ, સરગાસણ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 15 પ્રાઇમ ખેતી ઝોનના ગામો આવેલા છે, જેમાં ધાણજ, પલસાણા, મોટી ભોંયણ, નાજ, લાલી, બારેજડી, કૂજડ, પરઢોલ વગેરેનો સમાવેશ થાય છે.

આ પડકારોનો સામનો કરવો પડશે

અમદાવાદ-ગાંધીનગર એક કરવા કેટલાક પડકારનો સામનો કરવો પડશે. જેમાં સૌથી મોટો પડકાર જમીન સંપાદનનો છે. નવા 300 ફૂટના રિંગ રોડ અને લોજિસ્ટિક ઝોન માટે ખેડૂતો પાસેથી જમીન મેળવવી ખૂબ અઘરી સાબિત થશે. આ ઉપરાંત નવો પ્લાન મોડો આવવાને કારણે બહારના વિસ્તારોમાં રોડ, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓનું કટોકટીભર્યું વાતાવરણ સર્જાઈ શકે છે.જેના કારણે રોકાણકારો રોકાણ કરતા અચકાઈ શકે છે.