Thu Jul 23 2026

Logo

અમદાવાદમાં ભયાનક અકસ્માત! DPS સ્કૂલ બસ નીચે યુવક આવ્યો, ઘટનાસ્થળે જ મૃત્યુ

2026-07-10 19:36:04
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે સ્કૂલ બસની પાછળના ભાગમાં એક મોપેડ રાઈડર ઘુસી જતા યુવાનનું મોત થયું છે. રસ્તા પર પડેલા ખુલ્લા ખાડા પાસે મોપેડ ચાલક DPS સ્કૂલની બસ નીચે આવી ગયો હતો. આ અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ સ્કૂલ બસનો ડ્રાઈવર તથા કંડક્ટર બસ છોડીને નાસી છૂટ્યા હતા. બસમાં વિદ્યાર્થીઓ બેઠેલા હતા એ સમયે આ ઘટના બની હતી. ઘટના બન્યા બાદ વિદ્યાર્થીઓને છોડીને બસ ડ્રાઈવર અને કંડક્ટર નાસી છૂટ્યા હતા. 

અચાનક બ્રેક મારતા અકસ્માત

શહેરના શાસ્ત્રી નગર પાસે પડેલા ખોદવામાં આવેલા ખાડા નજીક DPS સ્કૂલની બસ સાથે એક મોપેડ ચાલકનો જીવલેણ અકસ્માત થયો હતો. ઈ બાઈક લઈને આવી રહેલો ચાલક બસના પાછળના ટાયરમાં આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ યુવાનની ઉંમર 21 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પ્રભાત ચોકથી શાસ્ત્રીનગર જતા રસ્તા પર આ અકસ્માત થયો હતો. કોર્પોરેશન દ્વારા પાણીની પાઈપલાઈન માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ કામ હજુ પૂર્ણ થયું નથી અને ખાડો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આ જ વિસ્તારમાંથી જ્યારે DPS સ્કૂલની બસ પસાર થઈ રહી હતી એ સમયે પાછળથી ઈ બાઈક લઈને આવેલા યુવાને અચાનક બ્રેક મારવી પડી હતી. કારણ કે, બસ ડાબી બાજું ટર્ન લઈ રહી હતી. બ્રેક મારતા જ મોપેડ સ્લીપ થઈ ગયું હતું અને યુવક ફંગોળાઈને બસના પાછળના ટાયરમાં આવી ગયો હતો.

બસ સંચાલક અંગે પૂછપરછ

આ સમગ્ર કેસ અંગે સ્કૂલ મેનેજમેન્ટે ચિંતા વ્યક્ત કરી છે. સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું કે, બાળકોની સુરક્ષા એ અમારી હંમેશા પ્રાથમિકતા રહી છે. સ્કૂલે ખાતરી આપી હતી કે, બસમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે સલામત છે. બાળકોને વૈકલ્પિક વાહનો દ્વારા જે તે સ્થળે રવાના કરવામાંં આવ્યા હતા. મોટી વાત એ છે કે, આ સ્કૂલની બસ સ્કૂલની માલિકીની નથી. થર્ડ પાર્ટી ટ્રાંસપોર્ટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા બસનું સંચાલન કરવામાં આવે છે. સ્કૂલ પાસેથી આ અંગેની વિગત માગવામાં આવી રહી છે. સમગ્ર કેસની તપાસ પોલીસ કરી રહી છે.