Thu Jul 23 2026

Logo

અમદાવાદમાં ભણતી કોમ્પ્યુટરની વિદ્યાર્થિનીએ સુરતના ઘરે જઈને કેમ કર્યો આપઘાત ?

2026-07-22 09:31:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ અમદાવાદ શહેરમાં ભણતી કોમ્પ્યુટરની વિદ્યાર્થિનીએ સુરતના ઘરે જઈને ઝેરી પદાર્થ પી આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. માતા સાથે મજાક મસ્તી કરતી વખતે અચાનક ઉલટી બાદ વિદ્યાર્થિની ઢળી પડી હતી. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તેનું કારણ અકબંધ છે.

શું છે મામલો
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની અમદાવાદમાં કોમ્પ્યુટરનો અભ્યાસ કરતી હતી. તેણે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. બે દિવસ પહલેા પરિવાર સાથે જમતી વખતે તેણે માતા સાથે શાકમાં મીઠું વધારે હોવાથી મજાક કરતી હતી. આ વખતે તેને અચાનક ઉલટીઓ થવા લાગી હતી અને ઢળી પડી હતી. તેમજ ઉલટીમાંથી તીવ્ર વાસ આવતી હતી. તેણે કોઈ ઝેરી પદાર્થ ગટગટાવ્યો હતો.

ઘટના બાદ પરિવારજનો તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હસતી રમતી દીકરીના અચાનક નિધનથી પરિવાર ભાંગી પડ્યો હતો.  

વિદ્યાર્થિની ભણવામાં ખૂબ હોંશિયાર હતી. સુરતમાં ભણવાનું ન ફાવતા તે અમદાવાદની એક કૉલેજમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી. તેમજ સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતી હતી. તે અઠવાડિયા પહેલા જ ઘરે અમદાવાદથી ઘરે આવી હતી. તેમજ ચિંતા અને ટેન્શનમાં જોવા મળતી હતી પરંતુ ઘરમાં તેણે કોઈ વાત કરી નહોતી.

અમદાવાદમાં અભ્યાસ કરતી સુરતની વિદ્યાર્થિનીએ ઘરે આવીને કયા કારણોસર આવું પગલું ભર્યું તે જાણી શકાયું નથી. વરાછા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી હતી.