Thu Jul 02 2026

Logo

ભયાનકઃ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના સરપંચોનું ગરીબ બાળકોને અમદાવાદમાં ભીખ મંગાવવાનું રેકેટ પકડાયું

2026-07-02 20:43:11
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શહેરની ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ મહાનગરપાલિકાએ સહિયારા પ્રયાસો કરી અમદાવાદના ટ્રાફિક સિગનલ્સ, મોલ્સ કે જાહેર સ્થળો પર ભીખ માગતા બાળકોને રેસ્ક્યુ કરવાનું એક અભિયાન હાથ ધર્યું હતું. જોકે આ અભિયાન દરમિયાન એક ભયાનક કહી શકાય તેવી હકીકત બહાર આવ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમના ધ્યાનમાં આવ્યું હતું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના અમુક ગામના સરપંચ અથવા ગ્રામપ્રમુખ જ ગરીબ ઘરના બાળકોને ગુજરાત લાવી ભીખ મંગાવવાના કામમાં લગાડી રહ્યા છે. 

પોલીસે અત્યાર સુધીમાં આ રેકેટ દ્વારા શહેરમાં કથિત રીતે તસ્કરી કરાયેલા 276 બાળકોની ઓળખ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળકોને સરકારી પ્રાથમિક શાળાઓમાં દાખલ કરવામાં આવશે અને તેમને ભોજન, આશ્રય અને પુનર્વસન પૂરું પાડવામાં આવશે, જ્યારે  માત્ર પૈસા માટે નિર્દોષ બાળકોનું શોષણ કરનારાઓ સામે ફોજદારી કેસ કરવામાં આવશે, તેમ પણ જણાવ્યું હતું. 

અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર ભિખારીઓ મોટેભાગે એક ઓર્ગેનાઈઝ્ડ નેટવર્કનો ભાગ હોય છે. મોટાભાગના બાળકો ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવ્યા હોય છે અને તેમનાં માતા-પિતા જ તેમને ભીખ માગવા મોકલે છે, જેથી આવક થાય. આવું રેકેટ ગામડામાં શરૂ થાય છે જ્યાં સરપંચની મદદ લેવામાં આવે છે. તેઓ આવા ગરીબ પરિવારના બાળકો વિશે રેકેટ ચલાવનારાઓને જણાવે છે. 

ગુજરાતમાં રેકેટ ચલાવનારા સરપંચને બાળકો લાવવા માટે પૈસા આપે છે. જેમાંથી અમુક રકમ સરપંચ બાળકોના માતા-પિતાને આપે છે. આ સાથે બાળકોની ભીખની કમાણીમાંથી પણ તેમનો લગભગ 20 ટકા જેટલો હિસ્સો હોય છે, 

સૌથી વધારે ભીખ ધાર્મિક સ્થળો આસપાસ મળે છે. ત્યારબાદ ટ્રાફિક જંકશન, હૉસ્પિટલ અને શૉપિંગ મૉલ્સ આસપાસ બાળકો ભીખ માગે છે. બાળકોને લોકેશન અંગે માહિતી મેળવ્યા બાદ ભીખ માગવા મોકલવામાં આવે છે. 
ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે તેમણે એવા ગામડાઓ ઓળખી કાઢ્યા છે જ્યાંથી બાળકોને લાવવામાં આવે છે અને અમદાવાદમાં એવા લોકેશનને પણ ટ્રેસ કર્યા છે, જ્યાં તેમને કામે લાગડવામાં આવે છે. આ સાથે સરપંચો અને માતા-પિતાની સામે ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.