Sun Aug 23 2026

Logo

પેનકાર્ડના ગેરઉપયોગનો અમદાવાદના વેપારીનો આક્ષેપ, 1.6 કરોડની ટેક્સ નોટિસ આવી

2026-08-02 17:43:27
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શહેરના એક વેપારીએ પોતાના પેનકાર્ડ સહિતના દસ્તાવેજોનો ગેરઉપયોગ કરી વિવિધ બેંક અકાઉન્ટ ખોલવામાં આવ્યા હોવાનો અને તેમાં કરોડોના વ્યવહારો થયા હોવાનો આરોપ કર્યો હતો. આને કારણે તેને ઈન્કમ ટેક્સ ખાતાની નોટિસ આવી હતી. વેપારીએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉદ્યોગપતિએ જણાવ્યું કે તે અગાઉ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલતી એકેડેમીમાં ડાન્સ કોરિયોગ્રાફર તરીકે કામ કરતો હતો. તે સમયે ઓપરેટરોએ કેવાયસી માટે તેમનું પાન કાર્ડ, ફોટોગ્રાફ અને અન્ય દસ્તાવેજો એકત્રિત કર્યા હતા અને જાળવી રાખ્યા હતા, તેવો આરોપ તેમણે કર્યો હતો. 

ફરિયાદીએ જણાવ્યું હતું કે બાદમાં તેઓ એકેડેમીથી અલગ થઈ ગયા અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. જોકે, માર્ચ 2018 માં, તેમને ઈન્કમટેક્સ વિભાગ તરફથી એક નોટિસ મળી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના નામે રહેલા બેંક ખાતાઓમાં 2011-13 દરમિયાન 5 કરોડથી 10 કરોડ રૂપિયાના વ્યવહારો નોંધાયા હતા, જેના પરિણામે લગભગ 1.6 કરોડ રૂપિયાની ટેક્સ લાયેબિલિટી થઈ હતી. 

ફરિયાદ મુજબ, બેંકોમાં પૂછપરછમાં જાણવા મળ્યું કે ખાતાઓ કથિત રીતે તેમની જાણ બહાર તેમના પાન કાર્ડ અને ફોટોગ્રાફનો ઉપયોગ કરીને ખોલવામાં આવ્યા હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે આ વ્યવહારો એકેડેમી ઓપરેટર અને ઓપરેટરનાં પત્ની અથવા મહિલા સાથી દ્વારા કરવામાં આવ્યા હતા.જ્યારે તેમણે એકેડમી ઓપરેટર પાસેથી આ મામલે ખુલાસો માગ્યો ત્યારે આરોપીએ તેમને કથિત રીતે ખાતરી આપી કે તેમનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ મામલો ઉકેલશે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમણે લેખિત બાંયધરી માંગી હતી, જેના પછી આરોપીએ જવાબદારી સ્વીકારીને નોટરાઇઝ્ડ સોગંદનામું આપ્યું હતું. જોકે હજુ સુધી આનો ઉકેલ ન આપતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને આ કેસમાં તપાસ કરવા અપીલ કરી હતી. આ મામલે પોલીસ અધિકારી સાથે સીધો સંપર્ક થઈ શક્યો નથી.