Fri Jul 24 2026

Logo

આમ આદમીને લાગી શકે છે વધુ એક ઝટકો, રિક્ષાનું મિનિમમ ભાડું વધારવા માગ

2026-04-07 10:48:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ આમ આદમીને વધુ એક ઝટો લાગી શકે છે. રિક્ષાચાલકો દ્વારા રિક્ષાના મિનિમમ ભાડામાં વધારો કરવાની માગ કરવામાં આવી છે. ઉપરાંત જ્યાં સુધી માગણી સ્વીકારી ભાડામાં વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી રિક્ષાચાલકો પોતાની રીતે જ વધારેલા ભાડા વસૂલશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. રિક્ષાનું મિનિમમ ભાડું રૂ. 20થી વધારી રૂ.30 કરવા અને પ્રતિ કિમી ભાડું રૂ. 15 થી વધારીને રૂ. 20 કરવા માટે માગ કરવામાં આવી છે.

ચાર વર્ષથી રેટ કમિટીએ નથી કર્યો રિવ્યુ

સૂત્રોના કહેવા પ્રમાણે, છેલ્લે જૂન 2022માં ઓટોરિક્ષાનું ભાડું વધ્યું હતું. રેટ કમિટીના નિયમ પ્રમાણે, દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં રિક્ષા ભાડામાં રિવ્યુ કરવામાં આવે, પરંતુ સરકારે આ બાબત ધ્યાનમાં લીધી નથી. ચાર વર્ષે પૂરા થવા આવ્યા છતાં રેટ કમિટીએ રિવ્યુ કર્યા નથી. જેના કારણે અમદાવાદના અઢી લાખ જેટલા રિક્ષાચાલકોને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો છે.

એકબાજુ મોંઘવારી વધી રહી છે, સીએનજી મોંઘો થયો છે, સ્પેરપાર્ટ્સ-મજૂરીમાં વધારો થયો છે, રિક્ષાના હુડ-ટાયર મોંઘા થયા છે, મેઈન્ટેનન્સ ખર્ચમાં વધારો થયો છે પરંતુ મિનિમમ ભાડું આજે પણ એટલું જ છે.  હાલ મિનિમમ ભાડું 20 રૂપિયા છે તેને વધારીને 30 રૂપિયા કરવા અને તે પછી દર કિમીના રૂ. 15 છે તેમાં 5 રૂપિયાનો વધારો કરી 20 રૂપિયા કરવાની માગ છે.