અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ કસ્ટમ્સે કરોડો રૂપિયાના ગાંજાના કન્સાઇન્મેન્ટ સાથે એક અઠવાડિયામાં ધરપકડ કરાયેલા બે વ્યક્તિ સામે ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટની મદદથી હાથ ધરવામાં આવેલી આ તપાસનો હેતુ આરોપીઓના મોબાઇલ ફોન, ટ્રાવેલ હિસ્ટ્રી, ડિજિટલ ફૂટપ્રિન્ટ અને કોમ્યુનિકેશન રેકોર્ડનું વિશ્લેષણ કરીને દાણચોરી પાછળના સિન્ડિકેટને ખૂલ્લી પાડવાનો કરવાનો છે.
કસ્ટમ્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને મુસાફરોને એક અઠવાડિયાની અંદર કરોડોની કિંમતના હાઇડ્રોપોનિક ગાંજા સાથે પકડવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા જથ્થા ઉપરાંત, બંને મુસાફરોની કામ કરવાની સ્ટાઈલ પણ લગભગ એકસરખી હતી.
બંને મુસાફરો બેંગકોકથી આવ્યા હતા. પહેલા મુસાફરોના સામાનમાં લગભગ 11 કિલો હાઇડ્રોપોનિક ગાંજા છુપાયેલો હતો. બીજા મુસાફરોના સામાનમાં લગભગ 4.2 કિલો હાઇડ્રોપોનિક ગાંજા છુપાયેલો હતો, જેની કુલ કિંમત લગભગ રૂ. 15 કરોડથી વધુ થતી હતી. બન્ને કેસમાં સમાનતાને કારણે એવી શક્યતા છે કે તેઓ એક જ સિન્ડિકેટ સાથે જોડાયેલા હોય શકે છે.
ફોરેન્સિક એનાલિસિસની જરૂરિયાત સમજાવતા, અધિકારીએ ઉમેર્યું હતું કે મોટાભાગના આવા કિસ્સાઓમાં, અમે ડ્રગ્સનું પરિવહન કરતા વાહકને પકડવામાં સફળ થઈએ છીએ, પરંતુ અમદાવાદ પહોંચ્યા પછી કન્સાઇન્મેન્ટ લેવા માટે રાહ જોઈ રહેલા રીસીવરને ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ. તેથી, બંને આરોપીઓની ટ્રાવેલ હિસ્ટરી ચેક કરી અને તેમની મુસાફરી દરમિયાન તેઓ જે કોઈ સાથે સંપર્કમાં આવ્યા હતા તે દરેકને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાઇડ્રોપોનિક ગાંજાની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે 1 કરોડ રૂપિયા છે. બંને કન્સાઇન્મેન્ટ બેંગકોકથી આવતા, એક જ એરલાઇન અને ફ્લાઇટ નંબર પર આવતા અને લગભગ છુપાવવાની તરકીબો પણ એક સમાન હોવાથી, હાલમાં બન્ને એક જ ગેંગના સભ્યો છે કે નહીં તેના પર કામ કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.