Fri Jun 12 2026

Logo

"મારી આંખ સામે જ મારો દીકરો સળગી ગયો!", પ્લેન ક્રેશના એક વર્ષ બાદ પણ કેમ ભેંકાર ભાસે છે બી. જે. મેડિકલ પરિસર? ગ્રાઉન્ડ રિપોર્ટ..

2026-06-12 21:16:43
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગત વર્ષે 12 જૂનના અમદાવાદમાં સર્જાયેલી દેશની સૌથી ગોઝારી વિમાન દુર્ઘટનાઓ પૈકીની એક એવી 'એર ઈન્ડિયા AI-171' વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાન ટેક-ઓફ કર્યાના થોડી જ વારમાં શહેરના મેઘાણીનગરમાં બી. જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને સ્થળ પરના હાજર લોકો સહિત કુલ 260  લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે માત્ર એક જ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. હાલ પણ આ બનાવની તપાસ ચાલી રહી છે અને હજુ સુધી સંપૂર્ણ તપાસ પુરી થઈ ન હોઈ પ્લેન ક્રેશના ઘટનાસ્થળ પર અવરજવર-વપરાશ માટે કોર્ડન છે, પરંતુ અહીંનો વિસ્તાર, પીડિત પરિવારોનો કલ્પાંત અને વિસ્તાર માટે મીડિયામાં ચાલતી ગપસપ સાચી હકીકતો જાણવા મળી હતી.

આજે અમદાવાદ પ્લેન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી આ  ઘટના આજે પણ અનેક પરિવારોના કાળજાને ચિરનારી છે. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા અને તે લોકોની પીડા આજે પણ ઓછી થઈ નથી. એક વર્ષ બાદ પણ આ ઘટના માત્ર એક અકસ્માત કે તપાસનો વિષય નથી, પરંતુ અનેક પરિવારો માટે ક્યારેય ન ભૂલાય તેવી કરૂણ યાદ બનીને જીવંત છે. જો કે એક વર્ષ બાદ ઘટનાસ્થળની શું હાલત છે? અનેક ચર્ચાઇ રહેલી વાતોનું સત્ય શું છે? પરિજનોની હાલત શું છે? તે અંગે 'મુંબઇ સમાચાર' ઘટનાસ્થળે પહોંચ્યું હતું. 

વિમાન દુર્ઘટના સમયે અચાનક ઉડાન ભરી રહેલું વિમાન બી. જે. મેડિકલ કોલેજ પર તૂટી પડ્યું હતું. તે દિવસે અમદાવાદ એરપોર્ટ પર કોઈ લંડનમાં કામથી, કોઈ સ્થાયી થવા, કોઈ ઉજળા ભવિષ્યના સપના તો કોઈ વેકેશનની મોજ માણવા માટે લંડન જઇ રહ્યો હતો અને એરપોર્ટ પર પરિજનોને આંતરરાષ્ટ્રીય પ્રવાસના શુકન-શુભેચ્છા પાઠવીને હજુ તો ઘરે પણ પરિજનો નહિ પહોંચ્યા હોય તેવા સમયે જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.

'ઉડાન ભરેલી ફ્લાઇટ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું છે' તેવા સમાચાર સાંભળ્યા અને અનેક પરિવારો સ્તબ્ધ થઈ ગયા હતા. ખૂબ જ સામાન્ય ચહલપહલ હતી તે સ્થળ થોડી જ વારમાં કાળજું ચીરી નાખે તેવી મરણચીસો, આક્રંદ અને હજારો લોકોના કોલાહલથી સમગ્ર અમદાવાદ ધ્રુજી ઊઠ્યું હતું. 

અમારું મન હજુ નથી માની શકતું 

જોકે, એક વર્ષ બાદ તે ઘટનાસ્થળની હાલ શું છે? આ જાણવા માટે સ્થળ પર પહોંચ્યા ત્યારના દ્રશ્યોએ એક વર્ષ પહેલાંની ભયાનકતાની યાદ તાજી કરી નાખી હતી. બી. જે. મેડિકલ કોલેજની જે કેન્ટિન કે જેની ઉપર કાળ બનીને પ્લેન ખાબક્યું હતું અને જ્યાં ડોક્ટરોની અવરજવરથી સતત ધમધમતું આ પરિસર અત્યારે ભેંકાર ભાસી રહ્યું છે.

દુર્ઘટનાના ભોગ બનેલા એક પરિવારે આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે તેમના નાના ભાઈ લંડનમા સ્થાયી થયેલા તેમના દીકરાને ત્યાં જવા માટે પ્રથમ વખત ફ્લાઇટમાં બેઠા હતા અને તે અમદાવાદથી પણ બહાર ન જઈ શક્યા. અમે આજે પણ આ ઘટનાને યાદ કરી છીએ તો અમે માની નથી શકતા, અમને વિશ્વાસ નથી થતો, અમારું મન એ માની નથી શકતું. હજુ આસપાસ જીવંત હોય એવું લાગી રહ્યું છે. 

રાંધ્યા ધાન પણ મોઢે ન પહોંચ્યા... 

આ દુર્ઘટના સમયે ઝૂંપડું વાળીને ઘટનાસ્થળ નજીક રહેતા એક પરિવારે જણાવ્યું હતું કે અમે બપોરે જમવાનું બની રહ્યા હતા તે જ સમયે મોટા ધડાકાનો અવાજ આવ્યો, અમે જોયું તો મોટી આગ લાગી હતી. ભાગીને દૂર ગયા, બધુ અહી મૂકીને માત્ર જીવ બચાવીને દૂર ભાગ્યા હતા. થોડી ઇજાઓ પણ થઈ હતી. પૈસા, ઘરવખરી કઈ જ હાથમાં નહોતું આવ્યું, ઘટનાના બે મહિના બાદ અમે ફરીથી અહી રહેવા આવી ગયા છીએ.

જો કે આ ઘટનાસ્થળે રાતના સમયે વિચિત્ર અવાજ આવે છે કે કેમ તે અંગેના અહેવાલોને તમામ લોકોએ નકારી કાઢ્યા હતા. અન્ય એક પરિવારની મહિલાએ જણાવ્યું હતું કે અમે તો અડધી રાતે પણ અહિયાથી નીકળીએ છીએ, અમને નથી તો કોઈ ડર લાગતો કે નથી આવા કોઈ અવાજ, ચીસ સાંભળી. 

મારી આંખ સામે દીકરો સળગી ગયો!

ઘણીવાર આપણા ધાર્યા કરતાં ઘણું અલગ બનતું હોય છે. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે કે 'હોઇ વહી સો રામ રચી રાખા'. કારણ કે સ્થાનિક એક મહિલા બબીબેન પટ્ટણીએ જણાવ્યું હતું કે દુર્ઘટના બની તેના આશરે 15 દિવસ પહેલા જ તંત્રએ અમુક મકાનોને પાડી દીધા હતા.

જો કે તે સમયે અમને ખૂબ આકરું લાગ્યું હતું પરંતુ બનાવ બાદ લાગ્યું કે સરકારની એ કામગીરી ભગવાન બનીને આવી હતી. પણ આ દુર્ઘટનામાં આકાશ પટ્ટણી નામના યુવકનું મોત થયું હતું તે તેના જ પરિવારનો સભ્ય હતો. બબીબેને જણાવ્યું હતું કે ધડાકાને કારણે હું મારા બીજા છોકરાઓને શોધવા આમ તેમ દોડવા લાગી પણ ત્યાં સુધીમાં મને ખ્યાલ પણ ન રહ્યો કે મારી આંખની સામે જ મારો દીકરો સળગી ગયો હતો.