Fri Jun 12 2026

Logo

અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને બ્રિટિશ હાઈ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી પણ કોઈ નેતાઓ કેમ ફરક્યા નહીં?

2026-06-12 16:32:44
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ આજથી એક વર્ષ પહેલા 12 જૂન 2025ના એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક બે નહીં પરંતુ 260 લોકો કાળનો કોળિયો બન્યા હતા. આ ગોઝારી ઘટના ભૂલાઈ શકે તેમ નથી! અમદાવાદ જ નહીં, પરંતુ વિશ્વભરમાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક દેશોએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. પરંતુ હવે કેટલા નેતાઓ છે જે આ સ્થળે જઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હોય! એકાદ નેતાને બાદ કરતા બધા જ પોતાના કાર્યોમાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. 

બ્રિટિશ હાઈ કમિશનર આવ્યાં પણ નેતાઓ ફરક્યાં નહીં?

એર ઈન્ડિયા AI-171 દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. મહત્વની વાત એ છે કે, બ્રિટિશ હાઈ કમિશનર Lindy Cameronને અમદાવાદ આવીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. આપણાં ભારતીય નેતાઓ કઈ પાર્ટીમાં વ્યસ્ત છે એ જ નથી ખબર પડતી! ભારતના નેતાઓને ત્યાં જવાનો સમય નથી મળ્યો. બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોને એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ રાજદ્વારી શ્રદ્ધાંજલિ બરાબર એક વર્ષ પહેલા, 12 જૂન, 2025ના થયેલા ભયાનક હવાઈ દુર્ઘટનાની યાદ અપાવે છે. બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોનની એક તસવીર પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 

મેડિકલના વિદ્યાર્થીઓની યાદમાં વૃક્ષારોપણ

અન્ય વિગતો વાત કરવામાં આવે તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતા બ્રાહ્મણો દ્વારા દુર્ઘટનાસ્થળે મૃતકોની આત્માની શાંતિ માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા. અનેક શાળા અને કોલેજોમાં પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો રાખવામાં આવ્યાં હતાં. ઘણાં લોકો છે જે આ જગ્યાએ જઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. 

અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં બી.જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની યાદમાં વૃક્ષારોપણ કરાયું, જતન કરવા માટે જુનિયર ડોક્ટરોએ શપથ લીધા છે. મૃતકોના પરિવારજનોમાં પણ અત્યારે ભારે શોકનો માહોલ છવાયો છે. તેઓ અત્યારે સરકાર પાસે આ દુર્ઘટનામાં સચોટ તપાસની માંગ કરી રહ્યાં છે.