અમદાવાદઃ ગુજરાત સહિત દેશ-દુનિયાના પ્રવાસીઓ તેમજ માઈભક્ત શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ ‘મહાકાળી મંદિર-પાવાગઢ’ એક મહત્વનું હૉટ ફેવરેટ હેરિટેજ-રિલીજિયન ટુરિઝમ સ્પૉટ છે. રાજ્ય સરકારે પાવાગઢના સર્વાંગી વિકાસ માટે રૂ. 359 કરોડ કરોડથી વધુના ખર્ચે મેગા માસ્ટર પ્લાન સાથે અહીં વિકાસ કાર્યો અને માળખાકીય સુવિધાઓની વણઝાર શરૂ કરી છે. ચાર તબક્કાઓ ધરાવતા મેગા માસ્ટર પ્લાન હેઠળ પાવાગઢમાં મોટાપાયે યાત્રાળુ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કાર્યો હાથ ધરાયા છે, જેમાં પ્રથમ અને બીજો તબક્કાના કાર્યો પૂર્ણ થઈ ગયા છે.

અગાઉ મંદિર પરિસર 545 ચોરસ મીટરનું હતું, જે હવે ત્રણ લેવલમાં 2980 ચોરસ મીટર જેટલું વિશાળ થઈ ગયું છે. સાથે જ પરિસરમાં પાથ-વે પર વીજળીકરણ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત માંચી ચોકથી મંદિર પરિસર સુધી સીડીઓના નવીનીકરણ-વિસ્તૃતીકરણ અંતર્ગત 3.01 કિલો મીટર પહોળા પાથ-વે સાથે કુલ 2374 સીડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પાવાગઢના મહાકાળી ધામને ત્રીજો અને ચોથા તબક્કામાં રૂ. 238 કરોડ ખર્ચવામાં આવશે. તેમાં રૂ. 148 કરોડના ખર્ચ સાથે ત્રીજા તબક્કાને 'ફેઝ-3એ' અને ‘ફેજ-3બી'માં વહેંચવામાં આવ્યો છે. રૂ. 13.68 કરોડની જોગવાઈ ધરાવતા ‘ફેઝ3-એ’માં માંચી ચોકમાં મલ્ટી-લેવલ પાર્કિંગનું કામ પૂર્ણ થયું છે. તે જ રીતે ‘ફેઝ-3બી’માં રૂ. 135.19 કરોડના ખર્ચે ચાંપાનેરમાં આંતરિક-બાહ્ય રસ્તાઓ, પાથ-વે, ઇલેક્ટ્રિફિકેશન, પ્લાન્ટેશન, 600થી વધુ સ્કૂટર-કાર માટે વિશાળ પાર્કિંગ, બસ સુવિધાના કાર્યો અને આ ઉપરાંત વડા તળાવ પરિક્ષેત્રમાં ઉદ્યાન, ઘાટ, વોટર જેટ્ટી, ફૂટઓવર બ્રિજ, થીમ પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, એક્ટિવિટી એરિયા, બર્ડ વોચ ટાવર, ક્રાફ્ટ સ્ટોલ અને 500 કાર પાર્કિંગની સુવિધાઓ સામેલ હશે.
દરમિયાન ગત 18 જૂન, 2026ના રોજ ‘પાવાગઢ પુનરુદ્ધાર’ના ચાર વર્ષ પૂર્ણ થયા છે. પાવાગઢ પુનરુત્થાન બાદ એટલે કે વર્ષ 2022-23થી 2025-26 (18 જૂન, 2026 સુધી) એટલે કે ચાર વર્ષમાં 3 કરોડ 84 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પાવાગઢની યાત્રાએ પહોંચ્યા. આ પહેલાં 2016-17થી 2021-22 સુધીના પાંચ વર્ષમાં 2.32 કરોડ શ્રદ્ધાળુઓએ પાવાગઢની યાત્રા કરી હતી. કુલ મળીને 2016-17થી 2025-26 સુધી 6.17 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા. 2016-17માં જ્યાં માત્ર 38.67 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, ત્યાં 2025-26માં આ આંકડો છ ગણો વધીને 6.17 કરોડથી વધુ પર પહોંચી ગયો છે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી.