કાબૂલઃ મિડલ ઈસ્ટના સંઘર્ષ વચ્ચે યુએઈમાં ભારે વરસાદ-તોફાનને કારણે જનજીવન ખોરવાયું છે, ત્યારે અફઘાનિસ્તાનમાં કુદરતી આફતને કારણે મોટી જાનહાનિ થઈ છે. અફઘાનિસ્તાનમાં કુદરતી આફતોના કહેરના કારણે મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયાં છે. છેલ્લા 24 કલાકમાં પૂર, ભૂસ્ખલન અને તોફાની વરસાદથી 17 લોકોના મોત થયા છે, જ્યારે 26થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, હજી તપાસ કરવામાં આવી રહી છે. સ્થિતિ એટલી વિકટ છે કે, મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા છે. આફત મુખ્યત્વે પશ્ચિમી, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં અસર કરી છે. 34 પ્રાંતોમાંથી 13 પ્રાંતો પ્રભાવિત થયા, જેમાં ઘણા ગામડાંઓ પાણીમાં ડૂબી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા વ્યક્ત કરાઈ
એનડીએમએના પ્રવક્તા યુસુફ હમ્માદે કહ્યું કે, અત્યારે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની તપાસ કરી રહી છે. ગંભીર હવામાનને કારણે 147 ઘર સંપૂર્ણપણે અથવા આંશિક રીતે નાશ પામ્યા છે. 80 કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા, અને ખેતીની જમીન અને સિંચાઈ નહેરો પણ તબાહ થઈ ગયા હતા. એટલે કે કુદરતી આફતોના કારણે અફઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
અફઘાનિસ્તાનમાં વારંવાર આફતો આવતી રહે છે
અફઘાનિસ્તાનમાં હવામાન સંબંધિત આવી આફતો વારંવાર બને છે. ભૂતકાળમાં પણ ભારે હિમવર્ષા અને અચાનક પૂરને કારણે ઘણા લોકોના જીવ ગયા છે. અફઘાનિસ્તાનમાં હંમેશા હવામાન જોખમી રહ્યું છે. અહીં ભારે હિમવર્ષા અને મુશળધાર વરસાદ અચાનક પૂરનું કારણ બને છે જે વારંવાર અનેક લોકોના જીવ ગયા છે. આ પહેલા 2024 માં અચાનક પૂરના કારણે 300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. હજી પ્રભાવિત વિસ્તારની સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવશે ત્યારે મોત અને નુકસાનના નિશ્ચિત આંકડા જાણ થશે.