Thu Jul 23 2026

Logo

આગામી 1લી ઓગસ્ટથી કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ખાતર મેળવવા ‘FFS’ એપથી એડવાન્સ બુકિંગ થશે

2026-07-22 15:21:00
Author: Mumbai Samachar Team
Article Image

લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે પરંતુ ટેકનોલોજીથી અજાણ ખેડૂતો માટે ડિજિટલ પ્રક્રિયા પડકારરૂપ બની શકે છે

ભુજઃ સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ, હવે રાજ્યભરમાં સબસીડીવાળા રાસાયણિક ખાતરનું વિતરણ ડિજિટલ માધ્યમથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1લી ઓગસ્ટથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ‘ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ’ (FFS) એપ્લિકેશન મારફતે ખાતર વિતરણ વ્યવસ્થા અમલી બનશે. આ નવતર પહેલનો મુખ્ય હેતુ ખાતરના વેચાણને વધુ સરળ, સક્ષમ અને પારદર્શક બનાવવાનો તેમજ કાળાબજારી અટકાવવાનો છે.

નવી વ્યવસ્થા મુજબ ખેડૂતો પોતાના મોબાઈલ ફોન દ્વારા ઘરે બેઠા જ ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકશે અને નજીકના ડીલર પાસે ઉપલબ્ધ સ્ટોકની માહિતી મેળવી શકશે. બુકિંગ કર્યા બાદ 2 દિવસની અંદર નિર્ધારિત રિટેલ સેન્ટર પરથી જથ્થો મેળવવાનો રહેશે; અન્યથા બુકિંગ આપોઆપ રદ થઈ જશે.
જિલ્લા ખેતીવાડી વિસ્તરણ અધિકારી પી.કે. પટેલના જણાવ્યા અનુસાર, કચ્છના તમામ ડીલરોને આ અંગે જરૂરી તાલીમ આપી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં એક સરખા ભાવે ખાતર ઉપલબ્ધ થશે. જોકે, માત્ર વાતચીત પૂરતો મોબાઈલ વાપરતા ખેડૂતો માટે આ ડિજિટલ સિસ્ટમ શરૂઆતમાં પડકારરૂપ સાબિત થઈ શકે છે.

દરમ્યાન,ખાતર બુક કરવાની 5 સ્ટેપ પ્રક્રિયા અંગે પી.કે. પટેલે ઉમેર્યું હતું કે, FFS એપમાં 'Get Started' પર ક્લિક કરી 'ગુજરાત' રાજ્ય પસંદ કરો. ફાર્મર આઈડી અથવા મોબાઈલ નંબર પર આવતા ઓટીપી દ્વારા લોગિન કરો. ત્યારબાદ જમીનની વિગતો માટે જો ફાર્મર આઈડી ન હોય તો પોતાના આધાર કાર્ડથી ઈ-કેવાયસી પૂર્ણ કરી, જિલ્લા, તાલુકા, ગામ અને સર્વે નંબર પસંદ કરી જમીનની માહિતી 'Fetch Land' દ્વારા કન્ફર્મ કરો. 'My Farm' ટેબમાં જઈ ખેતરમાં વાવેતર કરેલા પાકની વિગતો ઉમેરી તેને 'Confirm' કરો. 'Apply for Fertilizer' વિકલ્પમાં જરૂરિયાત મુજબ ખાતરનો પ્રકાર, થેલીઓની સંખ્યા અને નજીકનું રિટેલ સેન્ટર પસંદ કરી વિગતો સબમિટ કરો.

બુકિંગ સફળ થયા બાદ એક QR કોડ અથવા ટોકન જનરેટ થશે. આ કોડ વિક્રેતાને દર્શાવીને ખાતર મેળવી શકાશે.

(ઉત્સવ વૈદ્ય)