Tue Oct 06 2026

Logo

અભિષેક શર્મા છ બૅગ લઈને ગયો! જાપાનમાં જ રહી જવાનો છે કે શું?

2026-09-21 12:28:00
Author: Ajay Motiwala
અભિષેક શર્મા છ બૅગ લઈને ગયો! જાપાનમાં જ રહી જવાનો છે કે શું?

મુંબઈ/ટૉક્યો: જાપાનમાં એશિયન ગેમ્સ શરૂ થઈ ગઈ છે અને ભારતીય ક્રિકેટરો ટ્રોફી જીતવા માટે રવાના થઈ રહ્યા છે ત્યારે ઍરપોર્ટ પર એક એવી નાની ઘટના બની જે સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ છે. ઍરપોર્ટ પર ઓપનર અભિષેક શર્માનો સામાન જોઈને ઘણાને આશ્ચર્ય થયું હતું.

એશિયન ગેમ્સમાં ભારતની મેન્સ ટીમની પ્રથમ ટી-20 મૅચ 28મી સપ્ટેમ્બરે રમાશે, પણ એ પહેલાં મંગળવારે (22મી સપ્ટેમ્બરે) શ્રેયસ ઐયરની કેપ્ટન્સીમાં ભારતની ટીમ જાપાન સામે ઐતિહાસિક ટી-20 મૅચ રમશે.

ભારતથી રવાના થયેલા શ્રેયસ અને તેની ટીમના મોટા ભાગના ખેલાડીઓ વિશે ઍરપોર્ટ પર કંઈ અજુગતું નહોતું જોવા મળ્યું, પરંતુ અભિષેક શર્મા ટ્રોલીમાં છ-છ મોટી બૅગ સાથે જોવા મળ્યો હતો.

તાજેતરમાં જ 30 બૉલમાં સેન્ચુરી ફટકારીને આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં નવો કીર્તિમાન સ્થાપિત કરનાર અભિષેક શર્માને આ રીતે થોકબંધ સામાન લઈ જતો જોઈને સોશ્યલ મીડિયામાં ક્રિકેટ ચાહકો અલગ અલગ પ્રકારની રમૂજી ટિપ્પણી કરવા લાગ્યા છે.
 

એક ક્રિકેટ પ્રેમીએ ‘એક્સ' પર લખ્યું ‘ત્રણ મૅચ રમવા જવું છે અને આટલો બધો સામાન?'

બીજા એક ક્રિકેટલવરે લખ્યું છે કે ‘અભિષેક, ભાઈ તું જાપાનમાં ક્યાંક સ્થાયી તો નથી થઈ જવાનો ને?'

અન્ય એક જણે ભારતની વર્તમાન ટીમના સૌથી દેખાવડા અભિષેક (Abhishek) વિશે ‘એક્સ' પર લખ્યું છે કે ‘અભિષેકે આખી ટૂર્નામેન્ટમાં ચાલે એટલી ભરપૂર સ્કિન કેર પ્રોડક્ટ પોતાની સાથે લઈ ગયો લાગે છે.'

એશિયન ગેમ્સ (Asian Games) માટેના ઍથ્લીટો અને ખેલાડીઓ માટે જાપાનમાં રહેવાની વ્યવસ્થા બાબતમાં ધાંધિયા છે. આ વાતને ધ્યાનમાં રાખીને એક ક્રિકેટપ્રેમી એ લખ્યું છે, ‘જાપાનમાં રહેવાની વ્યવસ્થા સારી નથી એટલે મને લાગે છે કે અભિષેક ટેન્ટ સંકેલીને પોતાની સાથે લઈ જઈ રહ્યો છે.'