અમદાવાદ: ICC મેન્સ T20 બેટિંગ રેન્કિંગમાં નંબર 1 પર રહેલો ભારતનો ધુંઆધાર બેટર અભિષેક શર્મા હાલ ખરાબ ફોર્મમાંથી પસર થઇ રહ્યો છે. હાલ ચાલી રહલા ICC મેન્સ T20 વર્લ્ડકપ 2026ના ગ્રુપ સ્ટેજમાં અભિષેક સતત ત્રીજી વખત શૂન્ય પર આઉટ થયો છે, આ સાથે જ એક શરમજનક રેકોર્ડ તેના નામે નોંધાયો છે. T20 વર્લ્ડ કપના 19 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ બેટર સતત ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો છે.
T20 વર્લ્ડકપ 2026નો સુપર-8 રાઉન્ડ શરુ થવાનો છે, જેમાં દરેક મેચ અત્યંત મહત્વની છે, એ પહેલા ઓપનીંગ બેટર અભિષેકનું ફોર્મ અચાનક બગડતા ભારતીય ટીમ મેનેજમેન્ટની ચિંતામાં વધારો રહ્યો છે.
T20 વર્લ્ડકપમાં ખાતું ખોલવાની રાહ:
નોંધનીય છે કે અભિષેક શર્મા પહેલીવાર T20 વર્લ્ડકપ રમી રહ્યો છે, તેણે ત્રણ મેચ રમી છે, પણ હજુ સુધી રનનું ખાતું પણ ખોલાવી શક્યો નથી. ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં યુએસએ અને પાકિસ્તાન સામે શૂન્ય રને આઉટ થયા બાદ, અભિષેક ગઈ કાલે બુધવારે અમદાવાદમાં નેધરલેન્ડ્સ સામે પણ 0 રને બોલ્ડ આઉટ થયો હતો.
આ નુસ્ખો પણ કામ ન લાગ્યો:
રસપ્રદવાત એ છે કે ડક આઉટની હેટ્રિકથી બચવા અભિષેકે એક નુસ્ખો કર્યો હતો, અભિષેક મોહમ્મદ સિરાજની જર્સી પહેરીને બેટિંગ કરવા ઉતર્યો હતો, પરંતુ આ નુસ્ખો કામ ન લાગ્યો. નેધરલેન્ડ્સના બોલર આર્યન દત્તનની ઓવરના ત્રીજા બોલ પર અભિષેકે પુલ શોર રમવાના પ્રયાસમાં બોલ્ડ થઇ ગયો.
આશિષ નેહરાની બરાબરી કરી:
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ડક આઉટની હેટ્રિક લગાવનાર અભિષેક પહેલો બેટર છે, આ ઉપરાંત T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ ડક આઉટ થવાના મામલે તેણે આશિષ નેહરાની બરાબરી કરી છે, બંને સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી અને શ્રીલંકાનો તિલકરત્ને દિલશાન પાંચ-પાંચ ડક સાથે આ યાદીમાં ટોચ પર છે.