સુરતઃ પેપર લીક અને લદ્દાખના મુદ્દે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક આંદોલન ચલાવી રહ્યા છે. જેને સમર્થન આપવા ગુજરાતના મહિલા નેતા જંતર મંતર પહોંચ્યા હતા અને ભાષણ કર્યું હતું. તેમણે કહ્યું સોનમ વાંગચુકને જે રીતે ઢસેડીને લઈ જવામાં આવ્યા તે સમગ્ર દેશ માટે એક શરમજનક ઘટના હતી.
ભાષણમાં શું બોલ્યા મહિલા નેતા
AAP ગુજરાત મહિલા મોરચા પ્રમુખ પાયલ સાકરિયા સોનમ વાંગચુકને સમર્થન કરવા જંતર મંતર પહોંચ્યા હતા. જંતર મંતર ખાતેથી સંબોધન કરતા તેમને આ લડતને વધુ મજબૂત બનાવવા યુવાઓને આહવાન કર્યું હતું.
ભાષણ દરમિયાન પાયલ સાકરિયાએ સોનમ વાંગચુકના આંદોલનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેમની સાથે જે પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો, તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશના બાળકો અને વિદ્યાર્થીઓના હિત માટે અવાજ ઉઠાવનાર વ્યક્તિ સાથે સન્માનજનક વ્યવહાર કરવામાં આવ્યો નથી. તેમણે તેને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ ગણાવીને આ મામલાના વહેલા ઉકેલની માંગ કરી હતી.
આ ઉપરાંત NEET સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા. પાયલ સાકરિયાએ કહ્યું કે જો વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક થઈ રહ્યા છે, તો તેનાથી સમગ્ર પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થાય છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશભરના યુવાનો પોતાની માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ સરકાર તેમની વાત સાંભળવાના બદલે વિરોધને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
પાયલ સાકરિયાએ કહ્યું કે યુવાનોની માંગણીઓ સંપૂર્ણપણે વાજબી છે અને જો સરકાર વ્યવસ્થા સંભાળવામાં સક્ષમ નથી તો તેણે જવાબદારી નક્કી કરવી જોઈએ. સાકરિયાએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને દોહરાવતા કહ્યું કે પેપર લીક જેવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે નક્કર પગલાં લેવાવા જોઈએ.
પાયલ સાકરિયાએ જણાવ્યું કે યુવાનોના ભવિષ્ય, રોજગાર અને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓ પર સરકારે ગંભીરતાથી કામ કરવું જોઈએ અને વિદ્યાર્થીઓની ચિંતાઓનો ઉકેલ પ્રાથમિકતાના આધારે લાવવો જોઈએ.
जंतर-मंतर पर आज उन युवाओं के साथ खड़े होने का अवसर मिला, जो ईमानदार शिक्षा व्यवस्था के लिए और पेपर लीक के खिलाफ़ आवाज़ बुलंद कर रहे हैं।
— Payal Sakariya (@Payalpatelaap) July 19, 2026
अभिजीत दीपके जी, सोनम वांगचुक जी और सभी आंदोलनकारी छात्रों का यह संघर्ष देश के हर मेहनती छात्र के भविष्य की लड़ाई है। pic.twitter.com/dK9NbDejJr