Thu Jul 23 2026

Logo

બનાસકાંઠામાં બે મહંત બાખડ્યા તેમાં ચૌધરી આગેવાનને ઉઠાવી જઈ બેફામ ધોલાઈ, વૃધ્ધ કરગરતા રહ્યા પણ.......

2026-07-17 10:26:00
Author: Mumbai Samachar Team
Article Image

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા પ્રખ્યાત ઓગડ મઠના મહંત બળદેવગીરી બાપુને લઇને એક નવો વિવાદ ઉભો થયો છે. મઠના મહંતના માણસો દ્વારા થરા બજારમાંથી એક આધેડનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. હકીકતમાં આ સમગ્ર મામલો એક વર્ષ જુનો છે. એક ધાર્મિક મુદ્દાને લઇને વૃદ્ધનું અપહરણ અને મારપીટની ગંભીર અને ચોંકાવનારી ઘટના બની છે.  બનાવ બાદ પીડિત વૃદ્ધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે, બીજી તરફ વૃદ્ધ સાથે થયેલી ક્રૂરતાનો વીડિયો વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાધનપુરના સુબાપુરા ગામે એક વર્ષ પહેલાં યોજાયેલા એક પ્રસંગ દરમિયાન સીનાર ગામના મહંત અને દેવદરબારના મહંતે હાજરી આપી હતી. મહંત બળદેવનાથ અને મહંત ગોવિંદભાઈ બાપુ એક સાથે હાજરી આપી ત્યારે બે મહંતો વચ્ચે કોઈ બાબતે વિવાદ સર્જાયો હતો, જેમાં ગોવિંદભાઈ બાપુનું અપમાન થયું હોવાની વાત બહાર આવી હતી. 

બાદમાં આ મામલે ચૌધરી સમાજના ભોગબનનાર આગેવાનએ ગોવિંદભાઈ બાપુના સમર્થનમાં સામાજિક નિવેદન આપ્યું હતું. આક્ષેપ છે કે આ જ બાબતનો મનદુઃખ રાખીને એક વર્ષ બાદ કેટલાક શખ્સોએ સમાજના ભોગ બનનાર આગેવાનનું દિયોદરથી અપહરણ કરી તેમને ઓગડનાથ લઈ ગયા અને ત્યાં હોકી, ધોકા તેમજ ગડદાપાટુથી મારપીટ કરી હોવાનો આરોપ છે. 

ગાડીના હપ્તા મુદ્દે અપહરણ કરી માર માર્યાનો આરોપ

ભોગ બનનાર અજમલભાઇ ચૌધરી નામના આધેડના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અનુસાર, ગાડીના હપ્તા કેમ નથી ભર્યા તેમ કહીને આધેડનું થરા બજારમાંથી બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ઓગડ મઠમાં લઈ જવામાં આવ્યા હતા. મઠના પ્રાંગણમાં આધેડે પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી હોવા છતાં, મહંતના માણસોએ તેમને ઢોર માર માર્યો હોવાનો આરોપ છે. આટલું જ નહીં, ખુદ મહંત બળદેવગીરી બાપુએ પણ આધેડને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.

ધાર્મિક સ્થળોથી લોકોની લાગણીઓ અને આસ્થાઓ જોડાયેલી હોય છે અને આવા ધાર્મિક સ્થળ પર લોકો બાધા તેમજ માનતાઓ રાખવા તેમજ દર્શન કરવા જતા હોય છે. પરંતુ બનાસકાંઠાના ઓગડનાથ ખાતે વઢીયાર બાવન ગોળના આંજણા સમાજના અગ્રણીને ઓગડનાથના ધાર્મિક આંગણામાં લુખ્ખાતત્વો દ્વારા ઢોર માર મારવામાં આવતા સમગ્ર ચૌધરી સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

પરિવાર અને સમર્થકોએ ડીસા DYSPને રજૂઆત કરી આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની, અપહરણ અને હુમલામાં સંડોવાયેલા તમામ લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની અને કડક સજા આપવાની માંગ કરી છે.