ભુજઃ ભાતીગળ પ્રદેશ કચ્છમાં આજે શીતળા તેરસના પર્વની પરંપરાગત આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભુજમાં હમીરસર, માંડવીમાં ટોપણસર તળાવના કિનારે અને મુંદરા ખાતે ભરાયેલા 'મીની સાતમ-આઠમ'ના મેળામાં જનમેદની ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓએ શીતળા માતાના મંદિરોમાં દર્શન કરાવવા લાંબી કતારો લગાવી હતી.
ભુજ ઉપરાંત બંદરીય માંડવીના ઐતિહાસિક ટોપણસર તળાવના કિનારે પણ વહેલી સવારથી મેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ મુંદરામાં પણ શીતળા માતાના મંદિરે ભક્તોની લાંબી કતારો લાગી હતી. ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવતા આ મેળામાં નાના-મોટા ચગડોળ અને સ્ટોલ્સે આકર્ષણ જમાવ્યું હતું.
શીતળા તેરસના દિવસે ખાસ કરીને નાના બાળકોને શીતળા માતાના મંદિરે પગે લગાડવાની વિશિષ્ટ પરંપરા છે. માનતા-બાધા અને શ્રદ્ધા સાથે માતાઓ પોતાના બાળકોને માતાજીના ચરણે લાવી હતી. એવી લોકવાયકા છે કે માતાજીના આશીર્વાદથી બાળકોને અછબડા, ઓરી કે ગરમી જન્ય રોગો સામે રક્ષણ મળે છે અને તેમનું આરોગ્ય જળવાઈ રહે છે. ઠેર-ઠેર બાળકોને કુલેરનો પ્રસાદ ધરાવી શુકન કરવામાં આવ્યા હતા અને બહેનોએ સવારે ઠંડુ ભોજન ગ્રહણ કરી શીતળા માતાજીની આરાધના કરી હતી.
(ઉત્સવ વૈદ્ય)