અમદાવાદ: શહેરના માધવપુરા વિસ્તારમાં વર્ષ 2024માં ચોકલેટ લેવા દુકાને ગયેલી પાંચ વર્ષની બાળકીને શારિરિક અડપલા કરનાર 81 વર્ષીય વૃદ્ધને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ પોક્સો કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે પોતાના મહત્વપૂર્ણ ચુકાદામાં નોંધ્યું કે જ્યારે ગંભીર પ્રકારનો ગુનો નિઃશંકપણે સાબિત થાય છે ત્યારે માત્ર આરોપીની ઉંમરના આધારે દયા દાખવી શકાય નહીં.
આરોપીએ બાળકીને દુકાનમાં બોલાવી અડપલાં કર્યા
શહેરના માધવપુરા વિસ્તારમાં 81 વર્ષીય તફઝુલ હુસેન કુરેશી દુકાન ચલાવતા હતા. 19 ઓક્ટોબર, 2024ના રોજ તેમના જ વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળકી ચોકલેટ લેવા ગઇ હતી. ત્યારે તફઝુલે બાળકીને દુકાનમાં બોલાવી અડપલાં કર્યા હતા. ઘટનાની જાણ સગીરાએ પરિવારજનોને કરતા મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનોની ફરિયાદના આધારે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી અને તપાસ પૂર્ણ થયા બાદ તેની સામે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
કોર્ટે આરોપીને પાંચ વર્ષ કેદની સજા ફટકારી
આરોપી સામે 10 સાહેદ અને 11 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો હતો. સરકારી વકીલે જણાવ્યું હતું કે આવા કિસ્સા વધી રહ્યાં છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી સખત સજા કરવી જોઇએ. બીજી તરફ આરોપી તરફે ઉંમરને ધ્યાને રાખી ઓછી સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપી તફઝુલને પાંચ વર્ષ કેદની સજા કરી જેલના હવાલે મોકલી આપ્યો છે.
ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ ફરિયાદી પક્ષના સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને દલીલ કરી હતી કે આરોપી દ્વારા સગીરા સાથે અડપલાં કરવામાં આવ્યા હોવાનો મુદ્દો સંપૂર્ણપણે સાબિત થાય છે. ફરિયાદી સહિતના સાક્ષીઓએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. આવા ગુનાઓમાં વધારો થઈ રહ્યો હોવાથી સમાજમાં કાયદાનો ભય જળવાઈ રહે અને દાખલારૂપ સંદેશ જાય તે માટે કડક સજા જરૂરી હોવાની રજૂઆત કરી હતી.
બીજી તરફ બચાવ પક્ષે આરોપીની ઉંમર 81 વર્ષ હોવાનો મુદ્દો રજૂ કરીને સજામાં રાહત આપવા વિનંતી કરી હતી. જોકે, બંને પક્ષોની દલીલો અને ઉપલબ્ધ પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ નિતા એચ. વસવેલિયાએ આરોપીને દોષિત ઠેરવી પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી.
કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે સગીરાઓ સામેના જાતીય ગુનાઓ અત્યંત ગંભીર સ્વરૂપના હોય છે અને જ્યારે આરોપી સામેનો કેસ નિઃશંકપણે પુરવાર થાય ત્યારે દયા દાખવવાનું કોઈ કારણ રહેતું નથી. ચુકાદા બાદ દોષિત વૃદ્ધને જેલ હવાલે કરવામાં આવ્યો.