Thu Jul 23 2026

Logo

એકસામટી 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ સુધી ગુજરાતમાં ક્યાં વિસ્તારોમાં જોવા મળશે વરસાદની તોફાની બેટિંગ ?

2026-07-17 10:55:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ દેશમાં હાલ કુલ 6 સિસ્ટમ સક્રિય છે, જોકે સીધી રીતે ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે એવી એકપણ સિસ્ટમ સક્રિય નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આવતા 7 દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે. છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. એકંદરે ગુજરાતના 25 ટકા વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગે લોકોને સ્થાનિક આગાહીઓ પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે.

હવામાન વિભાગ મુજબ, આજથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદના જોરમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે. આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના ઓછી રહેશે, જ્યારે માત્ર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન હવામાનમાં આંશિક સ્થિરતા જોવા મળે તેવી શક્યતા છે, જોકે સ્થાનિક પરિસ્થિતિઓને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ફેરફાર થઈ શકે છે.

20 થી  22 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર-મધ્ય ગુજરાતના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર હતું, તે હવે વધુ મજબૂત બનીને ઓડિશા પર પહોંચી ગયું છે. જેના કારણે ગઈકાલે પુરીમાં રથયાત્રા દરમિયાન પણ ભારે વરસાદ પડ્યો હતો. ચોમાસાના વરસાદની મુખ્ય લાઈનહજુ ઉત્તર ભારત તરફ હોવાથી, તે સીધી રીતે ગુજરાતને મોટો ફાયદો કરાવી રહી નથી. હાલ દેશના ત્રણ અલગ-અલગ વિસ્તારો હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ઓડિશાની મજબૂત સિસ્ટમ અને ઉત્તર ગુજરાતના પવનના ચક્રવાતને કારણે, અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ખૂબ ઝડપથી ખેંચાઈ રહ્યા છે. સમુદ્રમાંથી ઓડિશા તરફ જતા આ ભેજવાળા પવનોના કારણે ગુજરાતમાં જ્યાં પણ અનુકૂળ વાતાવરણ બનશે, ત્યાં વાદળો બંધાશે અને સારો વરસાદ જોવા મળી શકે છે.