વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામે એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 14મી જૂનની રાત્રે પોતાના માતા-પિતા સાથે નિદ્રાધીન રહેલી 5 વર્ષીય દિવ્યા નામની માસૂમ બાળકીનું રહસ્યમય સંજોગોમાં અપહરણ (Kidnapping) થયું હતું. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવારજનો દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો.
ત્રણ દિવસ પછી કેનાલમાંથી મૃતદેહ મળ્યો
ત્રણ દિવસની સઘન શોધખોળ બાદ આખરે વણીયાદ નર્મદા કેનાલમાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસ દરમિયાન બાળકીની હત્યા તેના પાડોશમાં જ રહેતા કુટુંબી કાકા અજય લક્ષ્મણ રાઠોડીયાએ કરી હોવાનો વિગતો બહાર આવી હતી. પોલીસે કડકાઇથી અજયની પૂછપરછ કરતા તેણે પોતે જ આ કૃત્ય કર્યું હોવાની કબુલાત કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી (LCB), એસઓજી (SOG) અને ડોગ સ્ક્વોડ (Dog Squad) સહિતનો મોટો કાફલો તપાસમાં જોડાયો હતો. પોલીસે આ કેસમાં કેટલાક શંકાસ્પદોને અટકાયતમાં લઈને પૂછપરછ પણ કરી હતી.
દોરીથી ગળે ટુંપો દઇ બાળકીની હત્યા
આરોપી અજય રાઠોડીયાની બાળકીની માતા સાથે ઘણા સમયથી પ્રેમ સબંધ હતો જેને લઇને બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો. જેની અદાવત રાખી પ્રેમીકા સાથે બદલો લેવા રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ બાળકી તેના દાદા સાથે ઘરના આંગણામાં ખાટલામાં સુતી હતી, ત્યારે આરોપી બાળકીનું અપહરણ કરી ગામના છેવાડના રસ્તે લઇ જતા બાળકી ઊંઘમાંથી જાગી ગઇ હતી. જેથી આરોપીએ માસૂમ બાળકીના ગળે દોરી બાંધી ટુંપો આપી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પ્લાસ્ટીકની થેલીમાં મૃતદહે સાથે પથ્થર તથા ઇટો ભરી થેલીનું મોઢું દોરડા વડે બાંધી નર્મદા કેનાલમાંથી ફેંકી દીધી હોવાની પોલીસ સમક્ષ આરોપીએ કબુલાત કરી હતી.
પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ
બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-Mortem) માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પી.એમ. રિપોર્ટ (PM Report) આવ્યા બાદ જ હત્યાનું કારણ જાણી શકાશે. આ ઘટનાને કારણે પરિવાર સહિત સતીષાણા ગામમાં શોકનો માહોલ છે. પોલીસે આરોપી સામે અપહરણ તેમજ હત્યાનો ગુનો નોંધ્યો છે.