Thu Jul 23 2026

Logo

સુરતના યુવકને સસ્તા સોનાની લાલચ આપી 9.50 લાખ ખંખેરનારા ભુજના 5 રીઢા ઠગબાજો એલસીબીના સકંજામાં

2026-06-22 12:45:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ફેસબુક પર સસ્તા ભાવે સોનું આપવાની લોભામણી લાલચ આપી સુરતના એક યુવક સાથે રૂા. ૯.૫૦ લાખની છેતરપિંડી આચરી છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા ભુજના પાંચ રીઢા ઠગબાજોને પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. પકડાયેલા તમામ આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી માટે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે સુપ્રત કરવામાં આવ્યા છે.

આ ચકચારી ગુનાની વિગતો મુજબ, સુરત ખાતે રહેતા ધવલ જયસુખ વસોયા નામના યુવકે ગત તા. ૨૮ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ભુજના છ શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ધવલે દોઢ વર્ષ પૂર્વે ફેસબુક પર સસ્તું સોનું વેચવાની એક આકર્ષક જાહેરાત જોઈ હતી. લાલચમાં આવીને તેણે પેજ પર આપેલા મોબાઈલ નંબર દ્વારા માંડવીના રાજુભાઈ નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ ટોળકીએ ધવલને વિશ્વાસમાં લઈ, જુદા-જુદા લોકો સાથે મુલાકાત કરાવી આંબા-આંબલી બતાવી કાવતરું રચ્યું હતું અને સોનું આપવાના બહાને તેની પાસેથી કુલ રૂા. ૯.૫૦ લાખ પડાવી છેતરપિંડી આચરી હતી.

સુરત પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ આ આંતર જિલ્લા ચીટીંગ ગેંગના સાગરીતો પોલીસ પકડથી બચવા માટે નાસતા-ફરતા હતા. 
દરમિયાન, એલસીબીના પી.આઈ અને સ્ટાફને ચોક્કસ સ્થાનિક બાતમી મળી હતી કે, આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઓસમાણ ઈશા સોઢા તેના અન્ય સાગરીતો સાથે ભુજના હંગામી આવાસ વિસ્તારમાં છુપાયેલો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે તાબડતોબ દરોડો પાડીને મુખ્ય આરોપી સહિત પાંચેય ઠગબાજોને કોર્ડન કરીને દબોચી લીધા હતા.

પકડાયેલા આરોપીઓમાં ઓસમાણ ઈશા સોઢા (રહે. હંગામી આવાસ, ભુજ), રિયાઝ જાકબ સમા (રહે. ભુજ), અકબર ઈશા ફકીર (સોઢા) (રહે. ભુજ), અસલમશા ભાવનશા શેખ (રહે. ભુજ) અધિયન ઉર્ફે શિવમ જયવેન્દ્રસિંઘ સેંગર (રહે. મિરજાપર, તા. ભુજ)નો સમાવેશ થાય છે. 

સુરત શહેરના ઉત્રાણ પોલીસ મથકના આ ગુનામાં ભુજ બી-ડિવિઝન પોલીસે તમામ પાંચેય આરોપીઓનો વિધિવત કબજો મેળવીને સુરત પોલીસને જાણ કરી છે. આ ટોળકીએ અગાઉ અન્ય કેટલા લોકો સાથે સસ્તા સોનાના નામે ઠગાઈ આચરી છે, તે અંગે પોલીસ રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરશે તેવું જાણવા મળી રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)