અમરેલી: અમરેલીમાં સિંહણના હુમલાને કારણે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.જેમાં 45 વર્ષીય મંજૂ સોલંકી નામની મહિલા ગોવિંદપુર ગામમાં આંબાની વાડીમાં કામ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હોવાનું કહેવાય છે. જોકે અન્ય એક અહેવાલ અનુસાર મહિલા નદી કિનારે કપડા ધોતી હતી તે સમયે ઘટના બની હતી.
ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી
આ ઘટના ગીર પૂર્વ વન વિભાગના દલખાણીયા રેન્જ હેઠળ આવતા ગામમાં બપોરે 3:30 વાગ્યાની આસપાસ બની હતી. નાયબ વન સંરક્ષક વિકાસ યાદવના જણાવ્યા અનુસાર, સિંહણ મહિલા નજીક આવી ગઈ હતી. સિંહણે મહિલાનો પગ પકડી લીધો હતો. મહિલાની ચીસો સાંભળી આસપાસના લોકો દોડ્યા હતા, જેથી સિંહણ ત્યાંથી નાસી ગઈ હતી. મહિલાનાં શરીરમાંથી લોહી વધારે પડતું વહી ગયું હતું અને હૉસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
વન વિભાગે એક સિંહણને પાંજરે પૂરી છે
મહિલાનાં પતિ પણ અહીં જ કામ કરી રહ્યા હતા. તેમણે જણા્વયું હતું કે સિંહણ ક્યાંથી આવી ચડી તે સમજાયું જ નહીં. સિંહણે પાછળથી મહિલાને પકડી તેનાં પર હુમલો કર્યો હતો. વન વિભાગે એક સિંહણને પાંજરે પૂરી છે. પરંતુ આ તે જ સિંહણ છે તે હજુ નક્કી નથી. આ સાથે સિંહણનાં બચ્ચા આસપાસ હોવાની શક્યતા વન વિભાગને જણાઈ રહી છે, આથી આ દિશામાં પણ તપાસ થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
માનવ-જંગલી પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ
જોકે આ પહેલીવાર નથી, અગાઉ પણ અમરેલી જિલ્લાના વિવિધ ગામો અને ખેતર આસપાસ સિંહો દેખાયા હોવાનો, બાળકો સહિત રહેવાસીઓ પર હુમલો કર્યો હોવાની ઘટના બનતી રહે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ગામડાઓની આસપાસના વિસ્તારોમાં લગભગ 300 જેટલા સાવજો ફરતા રહે છે, જેથી માનવ-જંગલી પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ થતો રહે છે.