Sat Jun 20 2026

Logo

કચ્છની ઉમરસર ખાણમાંથી મળ્યું ૪ કરોડ વર્ષ જૂનું ભમરાનું અશ્મિ! ખૂલશે પ્રાગૈતિહાસિક રહસ્યો

2026-06-20 10:55:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છમાં આવેલા ઉમરસર લિગ્નાઈટ ખાણ વિસ્તારમાંથી વૈજ્ઞાનિકોને મધ્ય ઇયોસીન યુગનું એક અત્યંત દુર્લભ અને કિંમતી અશ્મિ શોધી કાઢવામાં સફળતા મળી છે. અંદાજે ૪ કરોડ વર્ષ જૂના પારદર્શક પીળા-ભૂરા રંગના એમ્બર એટલે કે,વૃક્ષોની જામી ગયેલી રાળના એક નાના ગઠ્ઠામાં સંપૂર્ણપણે સચવાયેલી ભમરાની એક નવી પ્રજાતિ મળી આવી છે, જે પ્રાગૈતિહાસિક કાળના જૈવવિવિધતાના રહસ્યો પરથી પડદો ઉઠાવશે.

કેવી રીતે પડી ખબર

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત લખનૌની 'બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયોસાયન્સિસ', ઈન્દોરની 'રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ્ડ ટેકનોલોજી' અને જર્મનીની 'ક્રિશ્ચિયન-આલ્બ્રેક્ટ્સ યુનિવર્સિટી ઓફ કીલ'ના વૈજ્ઞાનિકોની એક સંયુક્ત ટુકડી ઉમરસર ખાણમાં લિગ્નાઈટના સ્તરોનો વિસ્તૃત અભ્યાસ કરી રહી હતી. આ ક્ષેત્રીય સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોના હાથમાં એમ્બરનો એક નાનો ટુકડો આવ્યો હતો. સ્થળ પર જ કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ પારદર્શક ગઠ્ઠાની અંદર એક સૂક્ષ્મ કીટક ફસાયેલો હોવાનું માલૂમ પડ્યું હતું 

ખાણના કોલસાના સ્તરોમાંથી સુરક્ષિત રીતે પ્રયોગશાળામાં લાવવામાં આવેલા આ એમ્બર પર આધુનિક ટેકનોલોજીની મદદથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રયોગશાળામાં 3D એક્સ-રે માઇક્રોટોમોગ્રાફી સ્કેનિંગ દ્વારા આ કીટકની સંરચનાનો ઊંડો અભ્યાસ કરાયો, જેમાં જાણવા મળ્યું કે આ પાન ખાનારા ભમરાની અત્યાર સુધીની તદ્દન અજાણી અને નવી જ પ્રજાતિ છે. વૈજ્ઞાનિકોએ સત્તાવાર રીતે આ નવી પ્રજાતિનું નામ Cambaltica patra રાખ્યું છે.

વૈજ્ઞાનિકોના મતે, આજથી આશરે ૪.૭૮ કરોડથી ૩.૮ કરોડ વર્ષ પહેલાં કચ્છનો આ ઉમરસર વિસ્તાર અત્યારના જેવો શુષ્ક નહીં, પરંતુ ગાઢ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોથી ઘેરાયેલો હતો. એ સમયે વૃક્ષોમાંથી નીકળતી ચીકણી રાળમાં આ ભમરો ફસાઈ ગયો હશે અને સમય જતાં તે રાળ પથ્થર બની જતાં આ કીટક કરોડો વર્ષો સુધી તેમાં સુરક્ષિત રહ્યો હતો. 

ઉમરસરની ખાણમાંથી મળી આવેલું આ અશ્મિ ગુજરાતના ભૂતકાળના પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને પ્રાગૈતિહાસિક જૈવવિવિધતાને સમજવા માટે અત્યંત મહત્વની કડી પૂરી પાડે છે. આ શોધ ગ્લોબલ વોર્નિંગના પ્રાચીન સમયગાળા દરમિયાન કીટકોના ઉત્ક્રાંતિના અભ્યાસમાં વૈશ્વિક સ્તરે નવો પ્રકાશ પાડશે.
 
(ઉત્સવ વૈદ્ય)