અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું જામ્યું છે. જૂનાગઢમાં આજે સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા હતા.
સૌરાષ્ટ્રમાં બે કલાકમાં ક્યાં કેટલા ઇંચ પડ્યો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 10 થી 12 સુધીમાં 40 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 3.70 ઇંચ વરસાદ પડ્યો હતો. કેશોદમાં 2.17 ઇંચ, પાટણ-વેરાવળમાં 1.42 ઇંચ, માળીયા હાટીનામાં 0.94 ઇંચ, સૂત્રાપાડામાં 0.87 ઇંચ, મહુવા (ભાવનગર)માં 0.28 ઇંચ, તાલાલામાં 0.24 ઇંચ, રાજુલામાં 0.16 ઇંચ, મેંદરડામાં 0.12 ઇંચ, ભાવનગરમાં 0.12 ઇંચ, ભાણવાડમાં 0.12 ઇંચ, માણાવદરમાં 0.08 ઇંચ, જાફરાબાદમાં 0.08 ઇંચ, સાવરકુંડલામાં 0.08 ઇંચ. કોડિનારમાં 0.04 ઇંચ વરસાદ વરસ્યો હતો.
આજે ક્યાં છે વરસાદની આગાહી
આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ ખાતે ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ, વીજળી અને હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
આવતીકાલથી 7 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની સંભાવના છે.