ભાર્ગવ ઠાકર
રાત્રિના અંતિમ અંધકારને ચીરીને પૂર્વ ઈરાનની એક નદી કિનારે પ્રભાતનાં કિરણો ફૂટી રહ્યાં છે. વસંત-ઉત્સવના પવિત્ર જળ માટે નદીમાં ઊતરેલા એક ત્રીસ વર્ષના યુવાન પુરોહિતની આંખો અચાનક અંજાઈ જાય છે. ધુમ્મસમાંથી સૂર્ય કરતાંય વધુ તેજસ્વી આકૃતિ પ્રગટે છે: ‘હું વોહુ મનહ (શુભ મન) છું... ઊઠ, અને મારી પાછળ ચાલ...’
આ ક્ષણ માત્ર એક ધાર્મિક જાગૃતિ નહોતી, પણ જગતના સૌથી પ્રાચીન છંદોબદ્ધ કાવ્યો ‘ગાથા’ના જન્મની ક્ષણ હતી. ઝરથુસ્ત્ર માત્ર પયગંબર નહોતા, તેઓ અહુર મઝદાના પ્રેમમાં ડૂબેલા એક પ્રવાહી કવિ હતા, જેમણે પૃથ્વી પર સૌપ્રથમ વાર પદ્ય સ્વરૂપે સત્યની આરાધના કરી.
જ્યારે વોહુ મનહ ઝરથુસ્ત્રને પરમ પિતા ‘અહુર મઝદા’ (બુદ્ધિશાળી પ્રભુ) સમક્ષ લઈ ગયા ત્યારે બ્રહ્માંડનાં રહસ્યો જોઈને ઝરથુસ્ત્રનું હૃદય કવિતા બનીને વહી નીકળ્યું. આ દિવ્ય અનુભૂતિને તેમણે ગાથા અહુનવૈતીમાં આ રીતે વણી લીધી છે:
‘જ્યારે મેં તને મારી અંતરદ્રષ્ટિથી જોયો, હે મઝદા, ત્યારે મેં તને સૃષ્ટિના સર્વપ્રથમ અને પરમ પિતા તરીકે ઓળખ્યો. જ્યારે શુભ મન (વોહુ મનહ) મારી પાસે આવ્યું, ત્યારે મને સમજાયું કે તારી ઈચ્છા જ સર્વ કલ્યાણનું મૂળ છે...’
નવો ક્રાંતિકારી સંદેશ આપવાને કારણે ઝરથુસ્ત્રને પોતાના જ કુળ અને રૂઢિચુસ્ત પુરોહિતોના ભયંકર ક્રોધનો સામનો કરવો પડ્યો. તેમને દેશનિકાલ કરવામાં આવ્યા. મિત્રો અને સગાંઓએ સાથ છોડી દીધો. 12 વર્ષ ભટકતા રહીને તેમણે જે આક્રંદ અને એકલતા અનુભવી, તે ગાથા ઉશ્તવૈતીના આ કરુણ અને હૃદયસ્પર્શી ગીતમાં પ્રગટ થાય છે:
‘હું કઈ ભૂમિ તરફ વળું? મારે ક્યાં જઈને આશ્રય લેવો? મારા પોતાના જ સગાંઓ અને મિત્રોએ મને ત્યજી દીધો છે. શાસકો મને ધિક્કારે છે અને ક્રૂર જુલમ ગુજારે છે. હે અહુર મઝદા! હું તારી પાસે કેવી રીતે પહોંચું? તારા વિના મારો કોઈ બેલી નથી.’
આ ભ્રમણ દરમિયાન જ ઝરથુસ્ત્રે માનવજાતને તેમનું સૌથી મોટું તત્ત્વજ્ઞાન આપ્યું ‘અશ’ (સત્ય) અને ‘દ્રુજ’ (અસત્ય) વચ્ચેની પસંદગી. તેઓ માનવજાતને કાવ્યાત્મક શૈલીમાં સાચો માર્ગ પસંદ કરવાનું આહ્વાન કરે છે:
‘આરંભમાં બે જોડિયા આત્માઓ (વિચારો) પ્રગટ થયા, એક પ્રકાશ (સત્ય) તરફ દોરે છે, બીજો અંધકાર (અસત્ય) તરફ. આ બંનેમાંથી સમજદાર માણસ હંમેશાં સત્ય અને ભલાઈને ચૂંટે છે, જ્યારે અજ્ઞાની માણસ ભ્રમિત થઈને વિનાશનો માર્ગ પકડે છે.’
તેમણે મુક્તિનો સાદો મંત્ર આપ્યો:‘હુમત, હુખ્ત, હવર્શ્ત’ સારો વિચાર, સાચી વાણી અને ભલું કર્મ.
42 વર્ષની વયે ઝરથુસ્ત્ર પૂર્વ ઈરાનના રાજા વિષ્ટાસ્પના દરબારમાં પહોંચ્યા. ત્યાં શાસ્ત્રાર્થ અને કારાવાસના કઠિન સંઘર્ષ પછી, જ્યારે રાજા અને રાણીએ તેમનો ધર્મ સ્વીકાર્યો, ત્યારે ઝરથુસ્ત્રનો આનંદ છલકાઈ ગયો. એ સમયે તેમણે અહુર મઝદાનો આભાર માનતું વિજયગીત ગાયું. પછીથી, જ્યારે તેમની પુત્રી પુરુચિસ્તાના લગ્ન મંત્રી જામાસ્પ સાથે થયા,ત્યારે તેમણે ગાથા વહીશ્તોઇશ્તીમાં વર-વધૂને આશીર્વાદ આપતું એક ખૂબ જ સુંદર પારિવારિક ગીત રચ્યું:
‘હે પુરુચિસ્તા! તું ધર્મના માર્ગે ચાલનારા પતિને પામી છે. હવે તારા મનથી અહુર મઝદાની આરાધના કરજે. તમે બંને એકબીજાને પ્રેમ અને આદરથી જીતજો, કારણ કે જે લગ્નજીવન સત્ય પર ટકેલું છે, તે જ સાચું સ્વર્ગ છે.’
ઝરથુસ્ત્ર માટે અગ્નિ (આતશ) માત્ર ભૌતિક જ્વાળા નહોતી, પણ પ્રભુના ન્યાય અને તેજનું પ્રતીક હતી. તે ગાતા
કે, ‘હે પવિત્ર અગ્નિ! તું મારા આત્માની અશુદ્ધિઓને સોનાની જેમ તપાવીને શુદ્ધ કરજે.’
77 વર્ષની ઉંમરે, જ્યારે તુરાની આક્રમણકારોએ અગ્નિવેદી સામે પ્રાર્થના કરી રહેલા કવિ પયગંબર પર પાછળથી હુમલો કર્યો, ત્યારે પણ તેમના હોઠ પર અહુર મઝદાનું નામ અને કવિતા જ હતી. જે માણસે આખું જીવન શબ્દો અને અગ્નિની સાક્ષીએ સત્યની વકીલાત કરી, તેનો શ્વાસ પણ એ જ પવિત્ર અગ્નિની જ્વાળાઓમાં ઓગળી ગયો.
કહેવાય છે કે, લોહીલુહાણ કાયા સાથે, પવિત્ર અગ્નિ સમક્ષ ઢળી પડતી વખતે પણ આ મહાન કવિના હોઠ પર કોઈ ક્રોધ કે શાપ નહોતો. જીવનની અંતિમ ક્ષણમાં, વેદનાને ઓળંગીને તેમણે પોતાના પરમ મિત્ર ‘અહુર મઝદા’ ; ને ઉદ્દેશીને પોતાનું સર્વશ્રેષ્ઠ અને સૌથી ભાવુક સમર્પણ ગીત ગાયું:
હે પરમ પિતા અહુર મઝદા,
મારા જીવનના અંતિમ અર્ધ્ય રૂપે,
ઝરથુસ્ત્ર આજે પોતાના જ દેહનો પ્રાણ તારા ચરણે ધરે છે.
મારા શુદ્ધ વિચારો, મારી નીડર વાણી, અને મારું આખું અસ્તિત્વ...
આજે આ પવિત્ર અગ્નિમાં હોમાઈ જવા દે.
હે મઝદા... હવે આ કાયા ભલે રાખ થઈ જાય,
બસ, મારા આત્માને તારા શાશ્વત પ્રકાશમાં સમાવી લે...
આજે સાડા ત્રણ હજાર વર્ષ પછી પણ, પારસી અગિયારીઓમાં પ્રજ્વલિત આતશ પાદશાહની દરેક લપકારા લેતી જ્યોતમાં ઝરથુસ્ત્રની કવિતા અને ગાથાઓનો પવિત્ર નાદ ગુંજી રહ્યો છે. તેઓ પોતે જ પોતાની કવિતાની જેમ અગ્નિમાં ઓગળીને શાશ્વત પ્રકાશ બની ગયા છે.
છેલ્લાં 20 વર્ષથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે કાર્યરત. ગત વર્ષે ગઝલ સંગ્રહ ‘માર હલેસાં’ પ્રકાશિત થયો. ગુજરાતી સાહિત્ય ઇતિહાસ, હિન્દી ફિલ્મોના લિરિસિસ્ટની કવિતાઓનું વિશ્વ અને વિશ્વના આધ્યાત્મિક કવિઓ વિશે સવિશેષ અભ્યાસ.
હવેથી દર સોમવારે ‘મુંબઈ સમાચાર’ની આ પૂર્તિમાં નવી કૉલમ ‘આતમને અજવાળે’ શરૂ થઈ રહી છે.