Sun Sep 06 2026

Logo

ભુજમાં શિક્ષણમાં પારદર્શિતા અને ન્યાયની માંગ સાથે યુવાનોનું વિરોધ પ્રદર્શન

2026-07-21 11:19:00
Author: Mumbai Samachar Team
ભુજમાં શિક્ષણમાં પારદર્શિતા અને ન્યાયની માંગ સાથે યુવાનોનું વિરોધ પ્રદર્શન

કચ્છ ક્રાંતિ સમિતિ દ્વારા જ્યુબિલી સર્કલ ખાતે NEET પેપર લીક અને શિક્ષણના વ્યાપારીકરણ સામે શાંતિપૂર્ણ વિરોધ કરાયો 

ભુજ: શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા, સમાન તક અને ન્યાયની પ્રબળ માંગ સાથે ભુજ શહેરના જ્યુબિલી સર્કલ ખાતે 'કચ્છ ક્રાંતિ સમિતિ'ના નેજા હેઠળ એક જાહેર પ્રદર્શન યોજાયું હતું. આ આંદોલનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાજિક કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુક અને સંગઠનોને સમર્થન જાહેર કરી ન્યાયી શિક્ષણ પ્રણાલી માટે સૂત્રોચ્ચાર કર્યા હતા.

આયોજકોના જણાવ્યા મુજબ, આ પ્રદર્શનનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે ઊભા થયેલા ગંભીર પ્રશ્નો પ્રત્યે જનજાગૃતિ લાવવાનો અને સરકારનું ધ્યાન દોરવાનો હતો. સમિતિના આગેવાનોએ ખાસ કરીને NEET પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવી ગેરરીતિઓના કારણે લાખો મહેનતુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે. આથી, સમગ્ર પરીક્ષા પદ્ધતિને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવી અત્યંત જરૂરી છે.

પ્રદર્શન દરમિયાન શિક્ષણના વધતા જતા વ્યાપારીકરણ સામે પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ એ દરેક વિદ્યાર્થીનો મૌલિક અધિકાર છે, અને તે માત્ર આર્થિક રીતે સંપન્ન વર્ગ પૂરતું સીમિત ન રહેવું જોઈએ. આ તબકકે કેટલાક પ્રદર્શનકારીઓએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવી, લોકશાહી ઢબે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ પણ ઉઠાવી હતી.

કચ્છ ક્રાંતિ સમિતિએ સ્પષ્ટ કર્યું હતું કે શિક્ષણ, ન્યાય અને પારદર્શિતા જેવા મુદ્દાઓ સમગ્ર સમાજ સાથે જોડાયેલા છે. તેમણે યુવાનો અને જાગૃત નાગરિકોને શિક્ષણ બચાવવાના આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવવા અપીલ કરી હતી. સાથોસાથ, વિદ્યાર્થીઓના હિત અને શિક્ષણ પ્રણાલીમાં સુધારા માટે ભવિષ્યમાં પણ શાંતિપૂર્ણ કાર્યક્રમો અને લોકજાગૃતિ અભિયાન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

(ઉત્સવ વૈદ્ય)