Tue Jul 28 2026

Logo

કવર સ્ટોરી:હવે શું...?

2026-07-26 08:30:00
Author: Vijay Vyas
Article Image

 

આપણે ત્યાં યુવા શક્તિનાં તાજાં આંદોલને પ્રજાને નવી દિશા  દર્શાવી છે. આ અગાઉ પણ સત્તાનાં  આવાં પ્રતિકાર પછી દુનિયામાં અનેક ઠેકાણે સત્તા પણ પલટાઈ છે, પણ મોટા ભાગનાં આંદોલનોનો અંત બહુ સારો નથી આવ્યો. સત્તા પરિવર્તન ભલે થયું પણ લોકોના જીવનમાં પરિવર્તન કેમ ન આવ્યું એનાં કારણોનું પૃથક્કરણ કરીને હવેની યુવા શક્તિએ આગળ વધવું પડશે, નહીંતર...

- વિજય વ્યાસ

મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું પેપર ફૂટ્યું એ સામે ‘કોક્રોચ જનતા પાર્ટી’એ દિલ્હીના જંતર મંતર ખાતે શરૂ કરેલા આંદોલને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને હચમચાવી દીધી છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની માગણીઓ સાથે શરૂ થયેલા આંદોલનને ભાજપ સરકારે પહેલાં ગણકાર્યું જ નહોતું.

જાણીતા શિક્ષણવિદ્ સોનમ વાંગચૂકે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા તો પણ ભાજપ સરકારના મંત્રીઓના પેટનું પાણી પણ નહોતું હાલતું. વાંગચૂક મરતા હોય તો મરે આપણે કેટલા ટકા એમ સમજીને સરકારી મંત્રીઓ પોતાની મસ્તીમાં મસ્ત હતા ને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશોમાં મહાલતા હતા. 20 લાખથી વધારે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપે છે ને પેપર ફૂટ્યું તેનાથી હતાશ થઈને 20 જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધેલો છતાં કોઈના પેટનું પાણી નહોતું હલતું.

મોદી સરકાર કોઈ પણ વિરોધને અવગણીને અને ભાજપની સોશ્યલ મીડિયા ટ્રોલ આર્મીને છૂટી મૂકીને વિરોધીઓને દેશદ્રોહી ચિતરવાની મોડસ ઓપરેન્ડીમાં માને છે. આ દેશનું મીડિયા પણ તેમાં સાથ આપે છે કેમ કે મોટા ભાગના મીડિયા માલિકો સરકાર પાસેથી જાત જાતના ફાયદા લે છે.

આ આંદોલન મુદ્દે પણ એ જ અભિગમ અપનાવાયેલો. મોદીભક્તો કોક્રોચ જનતા પાર્ટીના આંદોલનને દેશદ્રોહ ગણાવતા હતા ને ચાપલૂસ મીડિયા સીજેપીના આંદોલનને પાકિસ્તાનથી ફંડ મળી રહ્યું હોવાની બકવાસ વાતો ચલાવી રહ્યું હતું. તેના કારણે એવો માહોલ ઊભો થઈ ગયેલો કે, કોક્રોચ જનતા પાર્ટીનું આંદોલન પણ બહુ જલદી સમેટાઈ જશે પણ સરકારના બધા પાસા ઊલટા પડી ગયા.

આ આંદોલન એટલું પ્રચંડ બની ગયું કે, મોદી સરકાર ઘૂંટણિયે પડી ગઈ. વીસ-વીસ દિવસ સુધી આંદોલનકારીઓને અવગણનારી ભાજપ સરકાર અચાનક તેમની આગળપાછળ ફરતી થઈ ગઈ. સોનમ વાંગચૂકને પારણાં કરાવવા માટે મનામણાં શરૂ થયાં ને નીટ પેપર લીક મુદ્દે હરફ સુધ્ધાં નહીં ઉચ્ચારનારા મોદી સાહેબને અચાનક આત્મજ્ઞાન થયું કે, પેપર લીક તો ઘોર પાપ છે અને પેપર લીક કરનારાંને આકરી સજા કરવા માટે કડક કાયદો બનાવવો જરૂર છે.

આંદોલનના પહેલા 20 દિવસ લગી ચૂપચાપ તમાશો જોનારા વડા પ્રધાને મધરાતે વીડિયો મેસેજ મૂકીને ‘ફ્રેન્ડ્ઝ’ને સધિયારો આપવો પડ્યો કે પેપર લીક કરનારાં કોઈને નહીં છોડાય. બે દિવસમાં બે વીડિયો મેસેજ મૂકીને સાહેબે ‘ફ્રેન્ડ્ઝ’ને મનામણાં કરવાં પડ્યાં છે. નીટ લેનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવાનો સળવળાટ સુધ્ધાં નહીં બતાવનારી ભાજપ સરકારે રાતોરાત એનટીએના 47 અધિકારીઓની હકાલપટ્ટી કરી નાખી.

સરકારના ચુસ્ત ટેકેદારો સુધ્ધાં સરકારની આ ગુલાંટબાજીથી સ્તબ્ધ થઈ ગયા. જેમને દેશદ્રોહી ગણાવીને ગાળો આપેલી તેમને સાહેબે અચાનક ‘ફ્રેન્ડ્ઝ’ બનાવી દેતાં મતિમૂઢ થયેલા ભક્તજનો તો ઘરોમાં જ ભરાઈ ગયા છે. ભાજપ સરકારે બીજાં પણ ઘણાં પગલાં લીધાં છે ને બધાંની વાત કરી શકાય તેમ નથી પણ એક વાત સ્પષ્ટ છે કે, અહંકારમાં રાચતી સરકાર આજની યુવા શક્તિ જેન-ઝીના પગોમાં આળોટી ગઈ છે.

આ આંદોલન હવે કઈ દિશામાં વળાંક લેશે એનો પૂરતો અંદેશો નથી પણ આ આંદોલન દેશના ઈતિહાસમાં એક બહુ મોટી ઘટના છે તેમાં બેમત નથી.

‘ભારતમાં લોકોમાં લડવાની શક્તિ ખતમ થઈ ગઈ છે ને લોકો અન્યાયને ચૂપચાપ સહન કર્યા કરે છે.’ એવી જે છાપ પડી ગયેલી તે આ તાજેતરના આંદોલને ખોટી સાબિત કરી છે ને સાબિત કર્યું છે કે આ દેશને સાવ લખી વાળવા જેવો નથી. આ દેશની યુવા પેઢીમાં હજુ પણ ઝનૂન છે ને તેમનો અંતરાત્મા મરી પરવાર્યો નથી. દેશમાં કહેવાતા મોટા લોકો શાસકોની ચાપલૂસીમાં ધન્યતા અનુભવે છે ત્યારે યુવા પેઢીમાં હજુ પણ અન્યાય સામે લડવાનો જુસ્સો અકબંધ છે.

આ આંદોલને બીજી એક વાત પણ સાબિત કરી કે, દેશના યુવાનોને છાપેલા કાટલાં જેવા રાજકારણીઓમાં રસ નથી. શાસકના વિરોધી એવા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતા આવું પ્રચંડ આંદોલન નથી ઊભું કરી શકતા જ્યારે જેને ત્રણ મહિના પહેલાં કોઈ ઓળખતું નહોતું એવી ‘કોક્રોચ જનતા પાર્ટી’ (સીજેપી)ના લબરમૂછિયાઓએ સરકારને થથરાવી દીધી. એમને આ સફળતા મળી, કારણ કે એમની સ્લેટ કોરી છે - એ લોકો ખરડાયેલા નથી તેથી લોકો તેમના પર ભરોસો કરી શકે છે. 

આ પહેલાં ખેડૂતોએ પણ આ રીતે જ મોદી સરકારને ઘૂંટણિયે પાડીને ત્રણ કૃષિ કાયદા રદ કરવાની ફરજ પાડી હતી. એક વર્ષ સુધી ચાલેલું ખેડૂત આંદોલન પણ સફળ થયેલું કેમ કે આંદોલનના નેતા કંઠીધારી નહોતા.

આ બંને આંદોલનનો બોધપાઠ એ જ છે કે, તટસ્થ લોકો સારા ઉદ્દેશ સાથે આંદોલનો કરે તો લોકો સાથ આપે જ છે. રાજકારણમાં જેમની આબરૂ ખરડાયેલી પણ હોય અને સારા ઉદ્દેશ સાથે કામગીરી બજાવે તો લોકો સાથ આપે જ છે. 

ભૂતકાળમાં અરવિંદ કેજરીવાલને પ્રજાએ આ જ કારણે ચૂંટ્યા હતા ને આ વરસે તમિળનાડુમાં ફિલ્મ સ્ટાર વિજયને લોકોએ આ જ ઉદ્દેશથી સત્તા સોંપી છે. કેજરીવાલ 10 વર્ષના શાસનમાં લોકોની અપેક્ષાઓને સંતોષી ન શક્યા તો ઘરભેગા થઈ ગયા. હવે લોકો તેમના પર ભરોસો કરતા નથી. વિજય સારાં પગલાં લઈ રહ્યા છે તો લોકો તેમને વખાણી રહ્યા છે.

હવે સવાલ એ છે કે આ આંદોલન પછી શું થશે...

દુનિયામાં ઘણે બધે ઠેકાણે આ પ્રકારનાં આંદોલનો થયાં છે પણ મોટા ભાગનાં આંદોલનોનો અંત બહુ સારો નથી હોતો. પ્રચંડ આંદોલનના કારણે સત્તાપલટા બહુ બધે થયા છે. 2010માં મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં આવેલી  ‘આરબ સ્પ્રિંગ’ તરીકે જાણીતી થયેલી આંધીમાં દસથી વધુ દેશોની સરકારો ઘરભેગી થઈ ગઈ હતી. કર્નલ ગદ્દાફી જેવા દાયકાઓથી જામેલા સર-મુખત્યારોને લોકોએ ઉખાડી ફેંક્યા હતા. ગયા વરસે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ પ્રચંડ આંદોલન કરીને શેખ હસીનાને દેશ છોડીને ભાગવાની ફરજ પાડી હતી. ગયા વરસે જ નેપાળમાં રસ્તા પર ઊતરેલા વિદ્યાર્થીઓએ વરસોથી જામી પડેલા રાજકીય પક્ષોને ઉખાડી ફેંકીને યુવાન બાલન શાહને સત્તા સોંપી  છે.

આ બધા દેશોમાં આંદોલનનો લાભ લઈને સત્તા પર આવેલા નેતા પ્રજાની અપેક્ષા નથી સંતોષી શક્યા તેથી સત્તા પરિવર્તન ભલે થયું પણ લોકોના જીવનમાં પરિવર્તન નથી આવ્યું. ભારતમાં પણ ભૂતકાળમાં આસામમાં ઘૂસણખોરોના મુદ્દે વરસો લગી આંદોલન ચલાવનારા ‘આસામ ગણ પરિષદ’ના પ્રફુલ્લકુમાર મહંતો સહિતના નેતા સત્તામાં આવ્યા પછી બીબાઢાળ રાજકારણી જ બની ગયેલા તેથી ફેંકાઈ ગયા. અણ્ણા હઝારેના આંદોલને ઊભા કરેલા પ્રચંડ જનાક્રોશનો લાભ લઈને સત્તામાં આવેલો ભાજપ પણ લોકોની જ અવગણના કરતો થઈ જ ગયો છે ને ? ‘કોક્રોચ જનતા પાર્ટી’ને રાજકીય રીતે શું ફાયદો થશે એ ખબર નથી પણ અત્યારે તેને મળેલા પ્રચંડ જનસમર્થનનો ઉપયોગ ‘સીજેપી’ના નેતાઓએ લોકોના અવાજને બુલંદ કરવા માટે કરવાની જરૂર છે. આ દેશમાં મુદ્દાઓની કમી નથી એ જોતાં ‘સીજેપી‘ સતત લોકોની સમસ્યાઓ ઉકેલવામાં યોગદાન આપી શકે છે. હાલના રાજકીય પક્ષોને મુદ્દાઓ ઉકેલવામાં નહીં પણ સત્તા મેળવવામાં ને સત્તા ટકાવી રાખવામાં રસ છે. ‘સીજેપી’ સત્તાલક્ષી રાજકારણના બદલે લોકલક્ષી રાજકારણ રમશે તો બીજા તમામ રાજકીય પક્ષોએ પણ એમની નીતિ-રીતિ ધરાર બદલવી પડશે. હવામાં ઉડનારા રાજકારણીઓના પગ જમીન પર આવી જશે. ઉકળતા ચરુ જેવી આજની સ્થિતિમાં ‘સીજેપી’ જેવી  જનરેશન ઝીએ બહુ સંયમથી અને પારદર્શક બનીને વર્તવું પડશે.