Wed Jun 10 2026

Logo

ભારત મંડપમમાં અર્ધનગ્ન પ્રદર્શન કરનાર યુથ કોંગ્રેસના 4 કાર્યકરો 5 દિવસની પોલીસ રિમાન્ડ મંજૂર...

2026-02-21 16:40:00
Author: Tejas
Article Image

નવી દિલ્હી: પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે આયોજિત 'ઈન્ડિયા-AI ઈમ્પેક્ટ સમિટ' દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ અહીં અર્ધનગ્ન હાલતમાં પ્રવેશીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે કડક વલણ અપનાવતા પટિયાલા હાઉસ કોર્ટે પકડાયેલા ચાર કાર્યકરોની જામીન અરજી ફગાવી દીધી છે અને તેમને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે.

સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટમાં સનસનીખેજ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આ પ્રદર્શન કોઈ સામાન્ય વિરોધ નહોતો પરંતુ તે નેપાળમાં થયેલા હિંસક 'Gen-Z' આંદોલનથી પ્રેરિત હતો, જેના કારણે ત્યાંની સરકાર પડી ગઈ હતી. પોલીસના મતે આની પાછળ કોઈ મોટું કાવતરું હોઈ શકે છે. તપાસકર્તાઓએ કોર્ટને જણાવ્યું કે આરોપીઓના ડિજિટલ પુરાવા તપાસવા અને આ ઘટના માટે ફંડિંગ ક્યાંથી આવ્યું તે જાણવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને પ્રદર્શનમાં વપરાયેલી ટી-શર્ટ્સ અને તેના પર લખેલા સ્લોગન્સ પાછળના માસ્ટરમાઈન્ડની શોધખોળ ચાલી રહી છે.

પ્રદર્શનકારીઓએ પહેરેલી ટી-શર્ટ પર 'PM is Compromised', 'India-US Trade Deal' અને 'Epstein Files' જેવા ગંભીર સૂત્રો લખેલા હતા, જેની સાથે પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો પણ હતી. પોલીસે દલીલ કરી હતી કે આ ટી-શર્ટ કોણે છપાવી અને આ સ્લોગન્સ પાછળનો હેતુ શું હતો તેની ઊંડી તપાસ કરવી પડશે. બીજી તરફ, આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે આ એક શાંતિપૂર્ણ લોકશાહી વિરોધ હતો અને પ્રદર્શનકારીઓ સાથે જ ગેરવર્તણૂક કરવામાં આવી છે.

આ ઘટના બાદ દેશના રાજકારણમાં ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભૂપેન્દ્ર યાદવ સહિતના ભાજપના નેતાઓએ આ ઘટનાને 'રાષ્ટ્રવિરોધી' ગણાવી છે અને આક્ષેપ કર્યો છે કે આંતરરાષ્ટ્રીય મહેમાનો સામે ભારતની છબી ખરાબ કરવાનો આ પ્રયાસ છે. તેના વિરોધમાં BJYM દ્વારા કોંગ્રેસ મુખ્યાલય પાસે દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસે આને કાર્યકરોનો લોકશાહી અધિકાર ગણાવીને તેમનો બચાવ કર્યો છે. આ ઘટનાને પગલે હાલ રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરી દેવામાં આવી છે