Wed Aug 26 2026

Logo

AI સમિટમાં હોબાળો! યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટી-શર્ટ ઉતારીને સૂત્રોચ્ચાર કર્યા

2026-02-20 15:27:00
Author: Savan Zalariya
AI સમિટમાં હોબાળો! યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટી-શર્ટ ઉતારીને સૂત્રોચ્ચાર કર્યા

નવી દિલ્હી: ભારત મંડપમ ખાતે ઇન્ડિયા AI ગ્લોબલ ઇમ્પેકટ સમિટ યોજાઈ રહી છે, આજે સમિટના ચોથા અને છેલ્લા દિવસે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટી-શર્ટ ઉતારીને યુએસ-ભારત ટ્રેડ ડીલ સામે વિરોધ નોંધાવ્યો હતો, આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે  સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. 
અહેવાલ મુજબ યુવા કોંગ્રેસના 10 જેટલા કાર્યકર્તા ભારત મંડપમના એક ડોમમાં ઘૂસી ગયા હતા અને નારા લગાવ્યા હતાં. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ પ્રદર્શન કરી રહેલા 5 લોકોની અટકાયત કરવામાં આવી છે.

5 લોકોની અટકાયત:

અહેવાલ મુજબ એક્સ્પો એરિયામાં ગુગલ સ્ટોલની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ QR કોડનો ઉપયોગ કરીને કોંગ્રેસ કાર્યકર્તા ડોમમાં પ્રવેશ્યા હતા. 5 લોકોની અટકાયત કરીને તિલક માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, પોલીસે જણાવ્યું કે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

યુથ કોંગ્રેસે શું કહ્યું?

ભારતીય યુથ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર ફોટોઝ પોસ્ટ કરીને લખ્યું જ્યારે વિદેશ નીતિ પર પક્ષપાત, કોર્પોરેટ દબાણ અને મૌન પ્રભુત્વ ધરાવે છે.... ત્યારે સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદી સમાધાન કરી ચૂક્યા છે. આ હકીકતને ઉજાગર કરવા માટે, ભારતીય યુવા કોંગ્રેસના બહાદુર કાર્યકરતાઓ AI સમિટમાં પહોંચ્યા અને સમાધાન કરી રહેલા વડાપ્રધાન સામે વિરોધ પ્રદર્શન કર્યું. દેશની અસ્મિતા સાથે કોઈ સમાધાન નહીં થવા દઈએ! ઇન્કલાબ ઝિંદાબાદ.

ભાજપે ટીકા કરી:
ભાજપે વિરોધ પ્રદર્શન બદલ યુવા કોંગ્રેસના ટીકા કરી છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે કોંગ્રેસે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના માટે, AI એટલે  આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ નહીં એન્ટી ઇન્ડિયા છે.