Sat May 02 2026

Logo

યશસ્વી કહે છે, `વૈભવે બુમરાહની ટક્કર ઝીલી એનો મને ઘણો ફાયદો થયો'

2026-04-08 17:20:08
Author: Ajay Motiwala
Article Image

PTI


ગુવાહાટીઃ મંગળવારે અહીં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 32 વર્ષના જસપ્રીત બુમરાહનો પહેલી જ વખત સામનો કર્યો અને મિડલ-લેગ સ્ટમ્પ પર પડેલા કલાકે 131 કિલોમીટરની ઝડપવાળા બુમરાહના પ્રથમ બૉલમાં સિક્સર ફટકારવાની સાથે તેણે બુમરાહની એ ઓવરને ખર્ચાળ કરી નાખી એ બદલ વૈભવની ચોમેર પ્રશંસા થઈ જ રહી છે, ખુદ સાથી-ઓપનર યશસ્વી જયસ્વાલ પણ વૈભવ પર આફરીન છે.

રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવે (Vaibhav) મુંબઈ ઇન્ડિયન્સના પેસ બોલર શાર્દુલ ઠાકુરના બૉલમાં તિલક વર્માના હાથમાં કૅચઆઉટ થતાં પહેલાં 14 બૉલમાં પાંચ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 39 રન કર્યા હતા. વૈભવે બુમરાહ (Bumrah)ની પ્રથમ ઓવરમાં પ્રથમ બૉલના છગ્ગા બાદ ચોથા બૉલમાં પણ સિક્સર ફટકારી હતી અને એ ઓવરમાં કુલ 14 રન બન્યા હતા. યશસ્વી જયસ્વાલ (77 અણનમ, 32 બૉલ, ચાર છગ્ગા, દસ ચોગ્ગા) સાથે વૈભવે 30 બૉલમાં 80 રનની ભાગીદારી કરી હતી. રાજસ્થાને વરસાદના લાંબા વિઘ્ન પછી નિર્ધારિત 11 ઓવરમાં ત્રણ વિકેટે 150 રન કર્યા હતા જેના જવાબમાં મુંબઈની ટીમ 11 ઓવરમાં નવ વિકેટે 123 રન બનાવી શકી હતી અને 27 રનથી પરાજિત થઈ હતી.

PTI

મૅન ઑફ ધ મૅચ યશસ્વી (Yashasvi)એ મૅચ પછી વૈભવ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે `વૈભવે બુમરાહના પ્રથમ બૉલમાં સિક્સર ફટકારી દીધી હતી. મેં તેને કહ્યું કે તને ફાવે એવા શૉટ મારતો રહેજે. બુમરાહભાઈ તો લેજન્ડ્સમાં ગણાય એટલે વૈભવ તેની સામે શરૂઆતથી સારું રમે એ અદ્દભૂત જ કહેવાય. બુમરાહભાઈ સામેની વૈભવની સફળ ટક્કર જોઈને મારા મન પરથી બોજ હળવો થઈ ગયો હતો. વૈભવે બુમરાહભાઈનો સારી રીતે સામનો કરતો હતો એટલે હું પછીથી અન્ય બોલર સામે આસાનીથી રમી શક્યો હતો. અમને 80 રનની મોટી ભાગીદારી કરવાની ખૂબ મજા આવી.'

યશસ્વીએ વૈભવના વખાણ કરતા એવું પણ કહ્યું કે `અમે બન્ને અમારા ફેવરિટ શૉટ્સ રમતા હતા અને એકમેકને સકારાત્મક સંદેશ આપતા રહેતા હતા. હું આઇપીએલમાં થોડા વર્ષોથી રમું છું એટલે પરિસ્થિતિને સમજીને રમી રહ્યો હતો અને ટીમને બને એટલું બેસ્ટ સ્ટાર્ટ આપવાની કોશિશ કરી હતી.'