Sun Sep 27 2026

Logo

મોર્નિંગ મ્યૂસિંગ: જ્યારે ટૅક્નેોલૉજી આપણી સૌથી કિમતી જણસ આપણું જ અટેન્શન છીનવી લે ત્યારે...

2026-09-27 09:22:00
Author: Raj Goswami
મોર્નિંગ મ્યૂસિંગ: જ્યારે ટૅક્નેોલૉજી આપણી સૌથી કિમતી જણસ આપણું જ અટેન્શન છીનવી લે ત્યારે...

- રાજ ગોસ્વામી

ઘણીવાર આપણા જીવનમાં સૌથી જરૂરી ચીજ એ નથી હોતી જે આપણી પાસે છે, બલકે એ હોય છે `જે આપણી પાસે નથી.' જેમ કે મોબાઇલ આપણો કાયમી સાથી છે અને એમાં બધું જ છે. દુનિયાભરના સમાચારો, અસંખ્ય તસવીરો, સેંકડો વીડિયો, દોસ્તોના મેસેજ, બેંકની એપ્સ, પુસ્તકો, સંગીત, ફિલ્મો, સોશ્યલ મીડિયા...જાણે આખી દુનિયા આપણી હથેળીમાં સમેટાઈ ગઈ છે, પરંતુ આ એક નાનકડા સ્ક્રીને આપણી એક ચીજ છીનવી લીધી છે- એટેન્શન (એકાગ્રતા).

છેલ્લા બે દાયકામાં, ટેકનોલોજીના ક્ષેત્રે જે પ્રગતિ થઇ છે તેનો એક ગેરફાયદો એ થયો છે કે માણસોના એટેન્શનની ક્ષમતા ઘટી ગઈ છે. આપણા મગજ પર સતત ઇન્ફોર્મેશન-ઓવરલોડ રહે છે. એના કારણે આપણે કોઈ એક ચીજમાં પુરતું ધ્યાન નથી આપી શકતા.

ટેકનોલોજીના કારણે આપણી પ્રોડક્ટિવટી તો વધી છે, પરંતુ માનસિક રીતે આપણે થકાન અનુભવતા થઇ ગયા છીએ.
આપણે જેમ જેમ ટેકનોલોજીઓ વધારતા જઈએ છીએ તેમ તેમ જીવન તેજ થતું જાય છે, પણ આપણું મન આવી મેરેથોન માટે બન્યું નથી, પરિણામે આપણી એકાગ્રતામાં દખલ પડી છે. પરિવારોમાં એવી ફરિયાદ સામાન્ય થઇ ગઈ છે કે બાળકો બહુ ધ્યાન નથી આપતાં, લાંબુ વાંચતાં નથી, કોઈ કામમાં લાંબો સમય સુધી ચિત્ત પરોવી શકતાં નથી.

આની સૌથી મોટી અસર કદાચ પુસ્તક-વાંચન પર જોવા મળે છે. બાળકો જ નહીં, મોટાઓ માટે પણ લાંબા લખાણ સાથે સતત જોડાયેલા રહેવું પહેલાં કરતાં મુશ્કેલ બની રહ્યું છે. અમેરિકામાં 2022ના એક અભ્યાસમાં સરેરાશ 30 ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તે ડિજિટલ ઉપકરણોને કારણે ભણવામાંથી ભટકી જાય છે.

મનોરંજન માટેના વાંચન અંગે પણ ચિંતાજનક સંકેતો છે. 2025માં પ્રકાશિત એક વિસ્તૃત અમેરિકન અભ્યાસમાં 2003થી 2023 સુધીના 2.36 લાખથી વધુ લોકો સમયનો કેવી રીતે ઉપયોગ કરે છે તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું.

તેમાં રોજિંદા સ્વાનંદ માટેના વાંચનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો- 2023માં માત્ર 16 ટકા લોકો મનોરંજન માટે વાંચતા હતા.

જોકે આ આંકડાઓને ભારત પર સીધા લાગુ કરી શકાય નહીં, પરંતુ તે એક મોટા વૈશ્વિક પરિવર્તન તરફ ચોક્કસપણે ઈશારો કરે છે કે આપણી પાસે વાંચવા માટે પહેલાં કરતાં વધુ સામગ્રી છે, પરંતુ તેને શાંતિથી અને એકાગ્રતાથી વાંચવા માટેનો સમય અને માનસિક અવકાશ ઘટી રહ્યો છે અને અહીં સમસ્યા માત્ર એટલી નથી કે આપણે ઓછું વાંચીએ છીએ. સમસ્યા એ છે કે લાંબું વાંચવું આપણને લાંબું વિચારવાનું પણ શીખવે છે. પુસ્તક આપણને તરત જવાબ આપતું નથી. તે આપણને થોડો સમય રોકે છે, એક વિચારને અનુસરવા મજબૂર કરે છે, આગળનું પાનું ખોલતાં પહેલાં પાછલા પાનાં વિશે વિચારવા દે છે.

કદાચ આ જ કારણ છે કે આજે આપણને એવી ટેક્નોલોજીની પણ જરૂર પડી રહી છે જે આપણને વધુ વસ્તુઓ આપવાને બદલે વસ્તુઓથી દૂર રાખે- અને અહીં Xteink X3 નામની નવી અને નાની ડિવાઈસ દિલચસ્પ બની રહી છે.

આ એક ઈ-રીડર ડિવાઈસ છે. મતલબ કે તે પુસ્તકો વાંચવાનું સાધન છે. તેનું નિર્માણ બે વર્ષ જૂની Xteink નામની હોંગકોંગ સ્થિત હાર્ડવેર સ્ટાર્ટઅપ કંપનીએ કર્યું છે. લાગે છે કે તે ક્નિડલ સાથે સ્પર્ધા કરવામાં આવે છે. આ આવકાર્ય પણ છે. આજે આપણને એવાં ડિવાઈસની જરૂર પણ છે જે નાના-મોટા દરેકમાં પુસ્તકના વાંચનની આદતને ફરીથી વિકસાવે.

પહેલી નજરમાં આ કોઈ ખાસ તકનીકી ક્રાંતિ નથી લાગતી. ન તો તે સ્માર્ટફોન છે, ન તો ટેબ્લેટ. તેનો સ્ક્રીન કેવળ 3.7 ઇંચનો છે. આકાર લગભગ ક્રેડિટકાર્ડ જેવડો. વજન આસરે 58 ગ્રામ. એટલું નાનું અને હલકું સાધન કે ખિસ્સામાં છે કે નહીં તે પણ ખબર ન પડે, પણ તેની ખૂબી એ છે કે તે 5,000થી વધુ પુસ્તકો લોડ કરી શકે છે.

 હવે કલ્પના કરો કે તમે રેલ્વે સ્ટેશન પર ટે્રનની રાહ જુવો છો. તમારી પાસે અડધો કલાક છે. તમે મોબાઈલ કાઢો છો. તમને થાય છે કોઈ ડિજિટલ કે ઈ-બુક્સ વાંચી લઉં. પણ મોબાઈલ ખોલતાં જ તમને દસ નોટિફિકેશન દેખાય છે. કોઈએ વીડિયો મોકલ્યો છે, સોશ્યલ મીડિયા પર ઝઘડો ચાલે છે, બ્રેકિગ ન્યૂઝની એલર્ટ આવી છે, ઇન્સ્ટાગ્રામની રીલ તમને બોલાવે છે.

મોબાઈલ ખરાબ નથી. એ તેનું કામ બરાબર કરે છે, પરંતુ તેની એક જ `કમજોરી' છે કે તે તમને એક જગ્યાએ ઠરીને `બેસવા' દેતો નથી. તે તમારું એટેન્શન છીનવી લે છે.

Xteink એનાથી એકદમ ઊલટું છે. એમાં ન તો મેસેજ આવે છે, ન તો નોટિફિકેશનની સુવિધા છે. એમાં કોઈ અલગોરિધમ પણ નથી, જે તમને દર સેંકડે બીજી કોઈ ચીજ માટે લલચાવતું હોય. તમે એને ખીસ્સામાંથી કાઢો અને તમાં ગમતું પુસ્તક વાંચવાનું ચાલુ કરી દો.

તમને પોકેટ-બૂક યાદ છે? રેલ્વે સ્ટેશનના સ્ટોલ પર 30-50 રૂપિયામાં મળતી હતી. ખાસ ટે્રન પ્રવાસ માટે. એ આરામથી હાથમાં રહી જાય. આ ડિવાઈસ પણ એવું જ સુવિધાજનક છે- જાણે ખિસ્સામાં ચોપડી મૂકી હોય. ફરક એટલો જ છે તેની અંદર સેંકડો પુસ્તકો હોય છે.

છેલ્લા દાયકાથી ટેકનોલોજીની દુનિયામાં એક ડિવાઈસમાં અનેક સુવિધાઓ નાખવાનું ચલણ છે. મોબાઈલમાં કેમેરા નાખ્યો. પછી ટીવી નાખ્યું. પછી બેંક. પછી ઈ- ટિકિટ. પછી પુસ્તકો. પછી ઓફિસ પણ આવી. હવે આખું ઈન્ટરનેટ છે. એમાં જ આપણું ધ્યાન વિચલિત રહે છે.

 બીજી તરફ આ નવું ઈ-રીડર ઊલટો સવાલ પૂછે છે- `શું આપણને દરેક કામ કરવા માટે એક જ મશીન જોઈએ?' કદાચ નહીં. આપણને એવી પણ ચીજ જોઈએ છે જે આપણને બાકી દુનિયાથી થોડીવાર માટે એકલા કરી દે. ઈ-રીડર આ વિચારનું પ્રતિનિધિ છે.

ટેકનોલોજીનો અર્થ હંમેશાં વધુ સુવિધાઓ આપવાનો નથી હોતો - ક્યારેક તેનો ઉદ્દેશ્ય બિનજરૂરી સુવિધાઓ હટાવી દેવાનો પણ હોય છે. ટેકનોલોજીનો મકસદ તમને એવો અહેસાસ કરાવવાનો પણ નથી કે તમે કોઈ અત્યાધુનિક મશીનને વાપરી રહ્યા છો. તેનો મકસદ તમને એવું ભૂલાવી દેવાનો પણ છે કે તમે કોઈ મશીનનો ઉપયોગ કરી રહ્યા છો.

કેવી અજીબ વાત છે કે આપણે ટેકનોલોજી એટલા માટે વિકસિત કરી હતી કે દુનિયા આપણી નજીક આવે અને હવે તે એટલી નજીક આવી ગઈ છે કે આપણને એવા યંત્રની જરૂર પડી છે જે આપણને ક્યારેક એ દુનિયાથી દૂર રાખે.

આપણે એવું માનીએ છીએ કે સૌથી સારી ટેકનોલોજી એ છે જેમાં વધુ ફીચર હોય, તેજ હોય અને મોંઘી હોય,  પણ જીવનના સૌથી સારા અનુભવ એ ચીજોમાંથી આવે છે જેમાં `કશું હોતું નથી.' પુસ્તકોમાં નોટિફિકેશન નથી હોતાં.

જૂની ડાયરીમાં કોઈ વિજ્ઞાપન નથી હોતાં. ચિઠ્ઠીમાં વચ્ચે વીડિયો નથી આવતો.

હવે એક નાનકડું ડિવાઈસ આપણને આવો જ અનુભવ કરાવવા જઈ રહ્યું છે.