- રાજ ગોસ્વામી
ઓટીટી પર પ્રસારિત થઈ રહેલી ‘મેડ ઇન ઇન્ડિયા: એ ટાઇટન સ્ટોરી’એ ફરી એકવાર ભારતના કોર્પોરેટ ઇતિહાસના એક અદ્ભુત પ્રકરણને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે. આ સિરીઝ ‘ટાઇટન’ નામની વોચ બ્રાન્ડની રચનાની કહાની તો કહે જ છે, પરંતુ તેની પાછળ રહેલા એક અસાધારણ સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિત્વ તરફ પણ આપણું ધ્યાન ખેંચે છે- ઝેર્ક્સેસ દેસાઈ. એક એવો માણસ, જેણે ઘડિયાળ બનાવવાની સાથે ભારતીય ગ્રાહકોની પસંદગી, અભિરુચિ અને અપેક્ષાઓને પણ બદલવાનું સાહસ કર્યું હતું.
ઝેર્ક્સેસ દેસાઈ પારસી હતા. તેમના વ્યક્તિત્વ જેટલું અનોખું હતું, એટલું જ અનોખું તેમનું નામ પણ હતું. કદાચ એ કારણ છે કે તેમના જીવનકાળ દરમિયાન પણ લોકો તેમના નામનો ઉચ્ચાર કરવામાં ભૂલો કરતા અને આજે પણ કરે છે.
‘મેડ ઇન ઇન્ડિયા: એ ટાઇટન સ્ટોરી’માં ઝેર્ક્સેસનો રોલ ભજવનારા અભિનેતા જિમ સર્ભે આ હકીકતને એક રસપ્રદ દૃશ્યમાં હળવાશથી રજૂ કરી છે. એક પ્રસંગે તે વિશ્વવિખ્યાત બ્રાન્ડ્સની ચર્ચા કરતી વખતે ‘ઝેરોક્સ’ કંપનીનું નામ લે છે અને એ જ ક્ષણે પોતાની તરફ આંગળી કરે છે- જાણે લોકો તેમને ‘ઝેરોક્સ’ તરીકે બોલાવતા હોય, પરંતુ ‘ઝેર્ક્સેસ’ માત્ર એક અસામાન્ય નામ નથી -તેની પાછળ એક લાંબો ઐતિહાસિક વારસો છે. આ નામનું મૂળ પર્સિયન અને ગ્રીક સંસ્કૃતિમાં છે. તેનો અર્થ થાય છે, ‘વીરોનો શાસક’ અથવા ‘રાજાઓનો હીરો’. ઇસુ પૂર્વે પાંચમી સદીમાં પર્સિયન સામ્રાજ્ય પર શાસન કરનાર પ્રખ્યાત રાજા ઝેર્ક્સેસ પ્રથમ સાથે આ નામ જોડાયેલું છે. વિશ્વ ઇતિહાસમાં તેનું નામ ખાસ કરીને ગ્રીસ સામેના તેના અભિયાન માટે જાણીતું છે. પોતાની રાજકીય કુશળતા અને સૈન્યશક્તિના બળે તેમણે ઈજીપ્ત અને બેબીલોનમાં થયેલા વિદ્રોહોને પણ સફળતાપૂર્વક દબાવ્યા હતા.
અહીં રસપ્રદ વાત એ છે કે સદીઓ પહેલાંના એ પર્સિયન સમ્રાટની જેમ જ આધુનિક ભારતના ઝેર્ક્સેસ દેસાઈ પણ પોતાના ક્ષેત્રમાં અસાધારણ મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા. ફરક માત્ર એટલો હતો કે તેમણે કોઈ સામ્રાજ્ય જીતવાનો પ્રયાસ નહોતો કર્યો -તેમણે ભારતીય ગ્રાહકોના મન જીતી લીધા હતા. ઘડિયાળોના વ્યવસાયમાં તેમણે જે પરિવર્તન સર્જ્યું તે પણ એક પ્રકારની શાંત ક્રાંતિ જ હતી.
1987માં જ્યારે ભારતનાં બજારોમાં ‘ટાઈટન’ની પહેલી ઘડિયાળ પહોંચી ત્યારે ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હતી કે આ કેવળ એક નવી પ્રોડક્ટ જ નથી, પણ નવા ભારતનું આગમન પણ છે. તે વખતે ભારત હજુ લાઇસન્સ-ક્વોટા રાજની પક્કડમાં હતું. ઘડિયાળના સ્ટોર્સમાં વોચના વિકલ્પ ઓછા હતા અને ઘડિયાળ ખરીદવી એ અમીરોનો શોખ હતો. એચએમટીની ઘડિયાળ મળી જાય એ પણ નસીબ હતું. ડિઝાઈન, સ્ટાઈલ, પર્સનાલિટી કે ચોઈસ જેવા શબ્દો ભારતની ઘડિયાળ બજારનો હિસ્સો નહોતા.
જોકે મુંબઈના જન્મેલા એક પારસી યુવક ઝેર્ક્સેસ દેસાઈને આવનારા ભારતનો સમય દેખાતો હતો. સાપુર દેસાઈ અને તેહમિના દેસાઈ નામના પારસી પરિવારમાં જન્મેલા ઝેર્ક્સેસે મુંબઈની એલ્ફિસ્ટન કોલજમાં શિક્ષા લીધા પછી ઓક્સફોર્ડમાં રાજનીતિ, દર્શન એ અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ઓક્સફોર્ડમાં તેમને ખાલી ડિગ્રી જ મળી નહોતી - તેમને દુનિયાને વ્યાપક દૃષ્ટિએ જોવાની ક્ષમતા પણ મળી હતી. ઝેર્ક્સેસ એવા દુર્લભ ભારતીય કોર્પોરેટ લીડરોમાંથી એક હતા, જે એક વ્યવસાયિક નિર્ણયને પણ સાંસ્કૃતિક અને સામાજિક સંદર્ભમાં સમજતા હતા.
1961માં તે ટાટા સમૂહની ટાટા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં સામેલ થયા હતા. તે સમયે કોઈને અંદાજ નહોતો કે આ યુવાન અધિકારી આગળ જઈને ટાટા સમૂહના સૌથી પ્રભાવશાળી સંસ્થાપકોમાંથી એક બની જશે.
ટાટામાં શરૂઆતનાં વર્ષોમાં તેમણે અનેક ભૂમિકાઓ નિભાવી હતી. મુંબઈની તાજ હોટેલનો દેશ-દુનિયામાં વિસ્તાર કરવામાં તેમનું યોગદાન રહ્યું હતું. ગોવાની ફોર્ટ અગુઆડા, ચેન્નાઈની તાજ કોરોમંડલ અને ઉદેપુરની લેક પેલેસ જેવા પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ તેમના નેતૃત્વમાં વિકસિત થયા હતા. તેમણે નવી મુંબઈના વિકાસમાં પણ કામ કર્યું હતું. તેમની રુચિ કેવળ વ્યવસાયિક સફળતા સુધી જ સીમિત નહોતી. તે અનુભવ, સૌન્દર્ય અને ગુણવત્તા પ્રત્યે અસાધારણ રીતે સંવેદનશીલ હતા. આ જ કારણોથી ‘ટાઈટન’ ઘડિયાળ સફળ અને લોકપ્રિય બની હતી.
સિત્તેરના દાયકામાં ઝેર્ક્સેસ ટાટા સમૂહ માટે નવી વ્યવસાયિક તકની તલાશમાં હતા ત્યારે તેમને એક વાત ધ્યાનમાં આવી હતી કે ભારતીય બજારમાં કાંડા ઘડિયાળની મોટી અછત છે. ત્યારે ઘડિયાળનો ઉદ્યોગ સંપૂર્ણપણે સરકારી નિયંત્રણમાં હતો. ગ્રાહકો સામે વિકલ્પો ઓછા હતા અને વિદેશી ઘડિયાળોની મોટા પાયે દાણચોરી થતી હતી. ત્યાં સુધી કે કોઈ બિઝનેસમેનને ઘડિયાળના ધંધામાં કસ દેખાતો નહોતો.
બીજી તરફ ઝેર્ક્સેસ દેસાઈને ઘણું બધું દેખાતું હતું. તે સમજતા હતા કે ભારત બદલાઈ રહ્યું છે. મધ્યમ વર્ગ આકાર લઇ રહ્યો છે. નવી આકાંક્ષાઓ જન્મી રહી છે. લોકો કેવળ ઉપયોગિતા જ નહીં, ઓળખ અને અભિવ્યક્તિ પણ ઈચ્છી રહ્યા હતા.
ઝેર્ક્સેસને દેખાતું હતું કે ભારતીય ગ્રાહક એક દિવસ એવી જ રીતે પોતાની ઘડિયાળ પસંદ કરશે, જેવી રીતે તે કપડાં, કાર કે ઘરની પસંદગી કરે છે.
આ વિચાર માત્ર ક્રાંતિકારી હતો. જે. આર.ડી. ટાટાએ ઘડિયાળ બનાવતી કંપની સ્થાપવાના પ્રસ્તાવને સમર્થન તો આપ્યું, પણ તેના માટે ન તો સરકારની અમલદારશાહી તૈયાર હતી કે ન તો પરંપરાગત ગ્રાહકો. એ સંઘર્ષ કેવો હતો એ તમે ‘મેડ ઇન ઇન્ડિયા: એ ટાઇટન સ્ટોરી’માં જોયો જ છે.
ઝેર્ક્સેસ દેસાઈની સફળતા એ હતી કે તેમણે ભારતીયોને પહેલીવાર એ અહેસાસ અપાવ્યો કે ઘડિયાળ કેવળ સમય બતાવતું મશીન જ નથી, તે ગ્રાહકની પર્સનાલિટીનો વિસ્તાર પણ છે. તેમની અસલી સિદ્ધિ એ નહોતી કે તેમણે ઘડિયાળો વેચી હતી, તેમની સિદ્ધિ એ હતી કે તેમણે ભારતના ગ્રાહકોની અપેક્ષાઓ બદલી હતી. એ પછી તો તેમણે દુનિયાની સૌથી પાતળી ઘડિયાળ બનાવાનું અને 1994માં ટાટાની ‘તનિષ્ક’ બ્રાન્ડ મારફતે આભૂષણ ઉદ્યોગમાં પ્રવેશવાનું સાહસ પણ પૂરું કર્યું હતું.
ઝેર્ક્સેસ દેસાઈને અવનવાં પડકારો ઝીલવાનું ગમતું હતું. હોસુરમાં ટાઈટનની ફેક્ટરી સ્થાપિત કરતી વખતે તેમણે કર્મચારીઓને એક જીવંત સમુદાય બનવા માટે પ્રેરણા આપી હતી. તે માનતા હતા કે મહાન ફેકટરીઓ મશીનોથી નહીં, માણસોથી બને છે.
તેમની અંદર એક કલાકાર, એક અર્બન પ્લાનર, એક શિક્ષક અને એક ઉદ્યોગપતિ- બધા સાથે રહેતા હતા. 27 જૂન 2016માં બેંગલોરમાં તેમનું અવસાન થયું ત્યારે ભારતીય ઉદ્યોગ જગતે એક કોર્પોરેટ લીડર જ ગુમાવ્યો નહોતો, તેણે એ
પેઢીના એક અંતિમ સ્વપ્નદ્રષ્ટાઓમાંથી એકને ખોઈ નાખ્યો હતો, જે કંપનીઓને નફો કમાનારી સંસ્થા નહીં, સમાજને બદલવાવાળો વિચાર ગણતા હતા.
ઝેર્ક્સેસ દેસાઈએ ભારતીય લોકોના કાંડે એક બહેતરીન ઘડિયાળ જ બાંધી નહોતી, તેમણે ભારતને એક વિશ્વાસ આપ્યો હતો કે વિશ્વસ્તરીય સપનાં અહીં, આ જમીનમાં જન્મ લઇ શકે છે....